આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે?, જાણો હાર્દિકે આ અંગે શું કહ્યું

  • vatannivat
  • 30-05-2022 06:26 AM

- 18 મેના રોજ હાર્દિકે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે 

- સોમવારે ભાજપમાં જોડાવાની અટકળોને હાર્દિકે રદિયો આપ્યો 


 હું સોમવારે ભાજપમાં જોડાઈ રહ્યો નથી, જો આવું કંઈ થશે તો હું તમને જણાવીશ: હાર્દિક 


કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ તમામ અટકળોને રદિયો આપતાં જણાવ્યું હતું કે તેઓ સોમવારે ભાજપમાં જોડાવાના નથી. રવિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પટેલે કહ્યું કે હું આવતીકાલે (સોમવારે) ભાજપમાં જોડાઈ રહ્યો નથી. જો આવું કંઈ થશે તો હું તમને જણાવીશ. નોંધનીય છે કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમના આ પગલાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટી ચીફ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.


રાજીનામા પત્રમાં કોંગ્રેસ પર પ્રહારો 


પોતાના રાજીનામાના પત્રમાં હાર્દિકે લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ સુધી જ સીમિત રહી ગઈ છે. જ્યારે દેશની જનતાને વિરોધ નહીં પણ એવો વિકલ્પ જોઈએ છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે અને આપણા દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં આગળ લખ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની વાત હોય, દેશ લાંબા સમયથી તેમનો ઉકેલ ઈચ્છે છે. પરંતુ, કોંગ્રેસ આમાં માત્ર અડચણરૂપ જ કામ કરતી રહી. કોંગ્રેસનું વલણ માત્ર કેન્દ્રનો વિરોધ કરવા પુરતું જ સીમિત હતું.હાર્દિકે કેજરીવાલ અને પંજાબની આમઆદમી પાર્ટીની સરકાર પર પ્રહારો કર્યા 


પંજાબની ભગવંત માન સરકાર પર પ્રહાર કરતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું કે પંજાબને આજે એક ખૂબ જ દુઃખદ ઘટના સાથે અહેસાસ થયો છે કે કોઈપણ સરકાર અરાજકતાના હાથમાં જાય તે કેટલી ઘાતક છે. થોડા દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીની ઘાતકી હત્યા અને જાણીતા યુવા કલાકાર સિદ્ધુ મૂસાવાલે આજે મહત્વના પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીથી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ચલાવનારા લોકોએ વિચારવું પડશે કે શું તેઓ કોંગ્રેસ જેવી બીજી પાર્ટી બનીને પંજાબને પીડા આપવા માગે છે કે ખરેખર લોકો માટે કંઈક કરવા માગે છે.