વડાપ્રધાન મોદી શા માટે લોકપ્રિય છે?, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કારણ

  • vatannivat
  • 14-12-2022 06:55 AM

- દેશને સુશાસન આપવાના કારણે પીએમ મોદીને પસંદ કરવામાં આવી રહ્યા છે : પ્રકાશ જાવડેકર

- છેલ્લા આઠ વર્ષમાં પીએમ મોદીએ તેમના વચન, ના ખાઉંગા, ના ખાને દૂંગાનું પાલન કર્યું : પૂર્વ કેન્દ્રીય મંત્રી 

મોદી સરકાર દરમિયાન IT રિટર્ન સરળ અને ઓનલાઈન થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે તે અંગેનું કારણ પણ ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સુશાસન આપવાના કારણે એટલા લોકપ્રિય છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં પીએમ મોદીએ તેમના વચન, ના ખાઉંગા, ના ખાને દૂંગાનું પાલન કર્યું છે. વિપક્ષ પણ તેમના એકપણ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શક્યું નથી. આ જ કારણ છે કે તે લોકોના દિલમાં ઘર કરી ગયા છે. સુશાસન સંબંધિત મોદી સરકારની પહેલો વિશે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કરીને તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર દરમિયાન IT રિટર્ન સરળ અને ઓનલાઈન થઈ ગયા છે, હવે ફેસલેસ એસેસમેન્ટ અને રિફંડ એક અઠવાડિયામાં ઉપલબ્ધ છે. તેનાથી પારદર્શિતા વધી છે.

મોદી સરકારે સ્વ-પ્રમાણીકરણની સિસ્ટમ શરૂ કરી

મોદી સરકાર નાદારી સંહિતા લાવી છે, જેણે નાણાકીય સંકટમાં ફસાયેલી કંપનીઓ અને ઉદ્યોગોને થોડા મહિનામાં ઉકેલવાની જોગવાઈ કરી છે, જેના કારણે ઔદ્યોગિક ઉત્પાદનો અને સેવાઓમાં સુધારો થયો છે. અંગ્રેજોના સમયથી ચાલી આવતી કુપ્રથાઓનો અંત લાવી જનતાને રાહત આપવા માટે મોદી સરકારે સ્વ-પ્રમાણીકરણની સિસ્ટમ શરૂ કરી છે, જેથી તેમને અધિકારીઓ સામે જવા માટે સમય અને પૈસા ખર્ચવા ન પડે. 

ભારતમાં ઇન્ટરનેટ ડેટાનો દર વિશ્વમાં સૌથી સસ્તો : પ્રકાશ જાવડેકર

ડિજિટલ અને ફિનટેક પહેલને સુશાસન સાથે જોડતા જાવડેકરે વધુમાં કહ્યું કે ભારત UPI જેવા શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાથે સૌથી વધુ સંખ્યામાં ડિજિટલ વ્યવહારો ધરાવતો દેશ છે. આ સિવાય ભારતમાં ઇન્ટરનેટ ડેટાનો દર વિશ્વમાં સૌથી સસ્તો છે. જન ધન બેંક ખાતા, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દ્વારા દેશભરમાં 46 કરોડ લોકોનો નાણાકીય સમાવેશ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.