હાથી રાજા કહાં ચલે! ગામમાં ઘૂસેલા હાથીએ કર્યું એવું કે સમગ્ર પંથકમાં મચી ચકચાર

  • vatannivat
  • 24-02-2023 06:33 AM

- હાથીઓના ડરથી ઝારખંડના રાંચીના ઈટકીમાં કલમ 144 લાગુ કરી 

- રાંચીના ઈટકી વિસ્તારમાં એક હાથીએ 5 લોકોને કચડી નાખ્યા 

- મૃતકના પરિજનોને તાત્કાલિક 25-25 હજાર રૂપિયા અપાશે:કિશોર નંદકુમારે

રખડતા હાથીએ 12 દિવસમાં 16 લોકોના જીવ લીધા 

ગજરાજનો આતંક ઝારખંડમાં જોવા મળ્યો છે. ટોળામાંથી વિખુટા પડેલા હાથીએ 12 દિવસની અંદર 16 લોકોના જીવ લીધા છે. આ નવો મામલો ઝારખંડની રાજધાની રાંચીનો છે. અહીં ટોળામાંથી ભટકી ગયેલા એક હાથીએ 5 લોકોને કચડી નાખ્યા છે, જેમાં 4 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ કર્યો છે. હાલ તે સારવાર હેઠળ છે. 

ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

મળતી માહિતી મુજબ છેલ્લા 12 દિવસમાં હજારીબાગ, રામગઢ, ચતરા, લોહરગડા અને રાંચી જિલ્લામાં હાથીઓ દ્વારા 16 લોકોને કચડીને નાખવામાં આવ્યા છે. જેમાં ઝારખંડના લોહરદાગા, હજારીબાગ, ગઢવા, લાતેહાર, ચાઈબાબા અને હવે રાંચીમાં હાથીઓનું તાંડવ જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાંચીના ઈટકી વિસ્તારમાં એક હાથીએ 5 લોકોને કચડી નાખ્યા હતા. આમાં સુખવીર ઉરાં, ગોવિંદા ઉરાં, પુનિયા દેવી અને કાખરા દેવીનાં મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઘાયલ એતવા ઉરાંવ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.બીજી તરફ હાથીએ ચાર લોકોને કચડી નાખ્યાની ઘટના બાદ ગ્રામજનો એકઠા થઈ ગયા છે.

રાંચી પ્રશાસને આગામી આદેશ સુધી ઈટકીમાં કલમ 144 લાગુ કરી 

તંત્રને  ના ઈટકી વિસ્તારમાં હાથીઓના ટોળાથી અલગ પડેલા હાથીની માહિતી મળી ચૂકી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, રાંચી પ્રશાસને આગામી આદેશો સુધી ઈટકીમાં કલમ 144 લાગુ કરી દીધી છે. લોકોને ઘરની બહાર નિકળવા અને નિર્જન સ્થળોએ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

વન વિભાગ દ્વારા લોકોને અપીલ

વન વિભાગ દ્વારા લોકોને હાથીની નજીક ન જવા અપીલ કરી છે. તેને દૂર કરવાની કોશિશ કરશો નહીં. આનાથી હાથી વધુ આક્રમક બનશે અને નુકસાન પહોંચાડી શકે છે. લોહરદગામાં વન વિભાગના કર્મચારી કિશોર નંદકુમારે જણાવ્યું કે વન વિભાગ તરફથી મૃતકના પરિજનોને 25-25 હજાર રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કર્યા પછી પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે