ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી, તાપમાન 40 ડીગ્રીએ પહોંચવાની શક્યતા

  • vatannivat
  • 21-02-2023 06:58 AM

- છેલ્લા 50 વર્ષ બાદ ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં હીટવેવની આગાહી કરાઈ 

- રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા

- ગુજરાતમાં આગામી 48 કલાક આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેજો

કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ જોવા મળ્યો 

દર વર્ષે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ જોવા મળે છે અને માર્ચમાં હોળી બાદ ધીમેં - ધીમેં ગરમીનો અનુભવ થવા લાગે છે. પણ આજી વખતે એકદમ વિપરીત પરીસ્થિતિ જોવા મળી રહી છે, ફેબ્રુઆરીની શરૂઆતથી જ ઉનાળાએ દસ્તક દઈ દીધી છે અને દિવસ જતાં ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. તેમજ બપોરે ગરમી અને મધ્યરાત્રિ બાદ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી 

ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. તે મુજબ, તાપમાન પણ વધી રહ્યું છે અને આગામી થોડા જ સમયમાં લોકોએ આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. આશરે 50 વર્ષ બાદ પહેલીવાર ફેબ્રુઆરીમાં હીટવેવની આગાહી કરાઈ છે, જેના પરથી લાગે છે, કે આ મહિનાના બાકી રહેલ દિવસોમાં લોકોને એપ્રિલ જેવી ગરમીનો સામનો કરવો પડશે. 

આગામી 48 કલાક આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેજો

રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આગામી 48 કલાક માટે હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યમાં દક્ષિણપૂર્વીય પવનો ફૂંકાયા છે જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. પરંતુ 48 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે,તો પણ 2 થી 3 ડિગ્રી જેટલો જ થશે.ગરમીના કારણે અત્યારથી જ રસ્તામાં લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. તેમજ બેવડી ઋતુના કારણે લોકો રોગનો ભોગ બની રહેતા જોવા મળ્યા છે. જેમાં પણ ખાસ કરીને, બાળકો અને વૃદ્ધોમાં બીમારીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. 

તાપમાન એકા-એક 38 થી 40 ડિગ્રીની આસપાસ પહોંચતા બપોરે ઉકળાટ અનુભવાયો 

શિવરાત્રી પહેલા જ ગુજરાતભરમાંથી શિયાળાએ વિધિવત્‌ રીતે વિદાય લીધી હતી, જેનાથી ગરમીનું પ્રમાણ ખુબ જ વધતું જોવા મળ્યું છે. તાપમાન એકા-એક 38 થી 40 ડિગ્રીની આસપાસ પહોંચતા બપોરથી સાંજના સમયે ઉકળાટનો અનુભવ થવા લાગ્યો છે. ઋતુ બદલાવાના કારણે લોકોમાં શરદી-ઉધરસ અને તાવની સમસ્યા વધી રહી છે. ડોક્ટરો પણ ઉનાળાની શરૂઆત થતાં જ કામ વગર ઘર બહાર નીકળવા નહિ અને જો બહાર જવું પડે તેમ હોય તો શરીર ઢંકાઈ તેવા ખુલ્લા વસ્ત્રો પહેરવાની સલાહ આપે છે.