ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનાં દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા

  • vatannivat
  • 28-11-2022 12:42 PM

- વ્યાસ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે

- ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા વ્યાસને ભાજપે આ વખતે તેમની ટિકિટ આપી ન હતી

પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા વ્યાસ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ પક્ષપલ્ટાની મોસમ ખીલી હોય તેવો ઘાટ જોવા મળે છે. ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્ય કેબિનેટના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ તેમના પુત્ર સમીર વ્યાસ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. જય નારાયણ વ્યાસે આ મહિનામાં જ ભાજપ છોડી દીધું હતું.

ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે

સિદ્ધપુર વિધાનસભાના ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વ્યાસ કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા હતા, જેના કારણે આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી ન હતી. આ કારણોસર તેઓ લાંબા સમયથી પાર્ટી નેતૃત્વથી નારાજ હતા.

ભાજપ ગેરમાર્ગે દોરવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપે છેઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ એક વોર્ડથી બીજા વોર્ડમાં ફરી રહ્યા છે. ઘણા રાજ્યોના સીએમ અહીં આવીને લોકોને ગેરમાર્ગે દોરવા ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પરિવર્તન લાવવાને બદલે ભાજપે તેના મુખ્યમંત્રી બદલ્યા. અહીં છ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાયા છે. મતલબ કે તેમણે રાજ્યમાં કોઈ કામ કર્યું નથી.