વંદે ભારત ટ્રેન ફરી પશુ સાથે અથડાઈ, કોઈ નુકશાન નહિ

  • vatannivat
  • 02-12-2022 06:57 AM

- વંદે ભારત આ પહેલા પણ ત્રણ વખત અકસ્માતનો ભોગ બની ચુકી છે

- ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે ટ્રેન સાથે પશુ અથડાયું 

વંદે ભારત ટ્રેન ઢોર અથડાવાની આ ચોથી ઘટના

વંદે ભારત ટ્રેન સાથે પશુઓની અથડામણનાં બનાવો ચાલુ જ છે. ત્યારે ગુરુવારે ફરી એકવાર વંદે ભારત ટ્રેન અકસ્માતનો શિકાર બની હતી. ગુજરાતના ઉદવાડા અને વાપી સ્ટેશનો વચ્ચે ગુરુવારે સાંજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાથે એક પશુ અથડાયું હતું. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં ટ્રેનની આગળની પેનલને મામૂલી નુકસાન થયું છે. બે મહિના પહેલા ટ્રેન શરૂ થયા બાદ આ રૂટ પર સેમી-હાઈ સ્પીડ ટ્રેન સાથે ઢોર અથડાવાની આ ચોથી ઘટના છે.

અકસ્માત બાદ તમામ મુસાફરો સુરક્ષિત

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 6.23 વાગ્યે ઉદવાડા અને વાપી વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 87 પાસે બની હતી. બનાવ બન્યા બાદ ટ્રેન થોડીવાર રોકાયા બાદ સાંજે 6.35 કલાકે ફરી શરૂ થઈ હતી. અકસ્માત બાદ મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે. 

વંદે ભારત ટ્રેન ક્યારે ક્યાં પશુ સાથે અથડાઈ

વંદે ભારત એક્સપ્રેસ સાથે પ્રાણીઓની ટક્કરનો આ પહેલો કિસ્સો નથી. વંદે ભારત આ પહેલા પણ ત્રણ વખત અકસ્માતનો ભોગ બની ચુકી છે. આ પહેલા વંદે ભારત 29 ઓક્ટોબરના રોજ સવારે અતુલ રેલવે સ્ટેશન પાસે એક બળદ સાથે અથડાઈ હતી. 6 ઓક્ટોબરે પણ ભારતના વંદે ભારત ટ્રેન સવારે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં તે વટવા અને મણિનગર સ્ટેશન નજીક ભેંસોના ટોળા સાથે ટ્રેન અથડાઈ હતી.