વાહનોની ગતિ મર્યાદા અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 15-12-2022 05:57 AM

- હાઈવે પર ટૂંક સમયમાં નવી સ્પીડ લિમિટ અંગે નિર્ણય લેવાશે : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી

- માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે : નીતિન ગડકરી

રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને વાહનોની નવી ગતિ મર્યાદા નક્કી કરવામાં આવશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં વાહનોની ગતિ મર્યાદા અંગે વાત કરી હતી. રાજ્યસભામાં તેઓએ જણાવ્યું હતું કે દેશના વિવિધ રાજમાર્ગો પર વાહનોની નવી ગતિ મર્યાદા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ગડકરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ટૂ-લેન અને ફોર-લેન સહિત વિવિધ હાઇવે પર નવી ગતિ મર્યાદાઓ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ધોરણોના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને નક્કી કરવામાં આવશે.  

દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે : ગડકરી

કેન્દ્રીય મંત્રી ગડકરીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે. આ અકસ્માતોમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેટલા લોકો કોઈ રોગચાળા, યુદ્ધ કે રમખાણોમાં મૃત્યુ પામતા નથી. સરકાર આવી ઘટનાઓને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે અને લોકોમાં જાગૃતિ અને અન્ય પગલાંની સાથે સેલિબ્રિટીઓનો સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર ઉચ્ચ ધોરણના રસ્તાઓ બનાવી રહી છે.