કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ઝારખંડ સરકાર પર પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 09-01-2023 10:37 AM

- જો નોકરી આપવી ન હોય તો ખુરશી ખાલી કરો, અમે આપીશું નોકરી: અમિત શાહ

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, આવનારા થોડા દિવસોમાં નક્સલવાદ ખતમ થઈ જશે : કેન્દ્રીય ગૃહમંત્રી

અમિતશાહનાં આગમન સમયે જય શ્રી રામના નારા લાગ્યા

ઝારખંડમાં રાજકીય ગરમાવા વચ્ચે ફરી એક વાર ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની મુલાકાત લીધી હતી અને ચાઈબાસામાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે પ્રચારનો શંખનાદ કર્યો હતો. તેઓ ત્યાં પહોંચતા લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગૃહમંત્રી પહોંચવાની સાથે જ ભીડે જય શ્રી રામના નારા લગાવાનું શરુ કરી દીધું હતું.  કાર્યક્રમમાં હાજર થયા બાદ ગૃહમંત્રીએ પોતાનું સંબોધન કરતા કહ્યું કે, જય જોહાર, તમામ વીર આદિવાસી નેતાઓ અને આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સાદર નમન. આ મારુ સૌભાગ્યું છે કે, આજે હું અહીં ચાઈબાસામાં હાજર છું. અહીંના વીર જનજાતિય નેતાઓને મારા ગુજરાત સહિત સમગ્ર દેશને સન્માન આપે છે. 

મુખ્યમંત્રી તો આદિવાસી છે, પણ સરકાર આદિવાસી વિરોધી : અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે ઝારખંડમાં આદિવાસીઓની જમીન હડપી લેનારા એક્ટિવ છે અને હેમંતભાઈ, આપે કોઈ જવાબદારી પુરી નથી કરી. પોતાની વોટબેન્કની રાજનીતિ માટે આપ જે કરી રહ્યા છો, તેના માટે તમને માફી નહીં મળે. અમે શિક્ષણ, રોડ, વિદ્યુત, દરેક ક્ષેત્રમાં કામ કર્યું હતું, પણ અમારી પછી આવેલી સરકારે ઝારખંડને તબાહ કરી નાંખ્યું. આ રાજ્યના મુખ્યમંત્રી તો આદિવાસી છે, પણ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે. આજે ઝારખંડમાં જનજાતિય મહિલાઓ સાથે જબરદસ્તીથી લગ્ન કરીને તેમની જમીન હડપવામાં આવી રહી છે. હેમંતજી વોટબેન્કની લાલચ જનજાતિય હિતોથી ઉપર હોઈ શકે નહીં. 

ઝારખંડમાં યુવાનો અને માતાઓ-બહેનોને દગો આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે : શાહ

ગૃહમંત્રી શાહે વધુમાં જણાવ્યું કે ઝારખંડની જનતા જાગી ચુકી છે અને હવે તે અન્યાય સહન નહીં કરે. અહીં યુવાનો અને માતાઓ-બહેનોને દગો આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખાદ્યાન્ન, રોજગાર અને શિક્ષણના નામ પર દગો થઈ રહ્યો છે. જો નોકરી આપવાની હિમ્મત નથી, તો ખુરશી ખાલી કરી દો...ભાજપ ઝારખંડમાં નોકરી આપવાનું કામ કરશે. અમે આદિવાસીના કલ્યાણ માટે બજેટને ૮૬ હજાર કરોડ રૂપિયા કર્યું છે અને ૧ કરોડ આદિવાસી ભાઈઓના ઘરમાં પાણીની વ્યવસ્થા કરી છે.  હું ઝારખંડના લોકોને કહેવા માગુ છું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આવનારા થોડા દિવસોમાં નક્સલવાદ ખતમ થઈ જશે અને ઝારખંડમાં વિકાસના નવા રસ્તા ખુલશે.