દેશની સમૃદ્ધિ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 19-12-2022 05:36 AM

- દેશની સમૃદ્ધિ માટે નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ : મનસુખ માંડવીયા 

- ભારત વસુધૈવ કુટુમ્બકમની વિચારધારામાં માને છે : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

લોકડાઉનમાં 150 દેશોમાં દવા મોકલી 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કાન્હા શાંતિ વનમ ખાતે ઈન્ટીગ્રેટેડ એપ્રોચ ટુ હેલ્થ એન્ડ વેલબીઈંગ 2022ની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે ભારત વસુધૈવ કુટુમ્બકમની વિચારધારામાં વિશ્વાસ રાખે છે. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે આપણો દેશ માત્ર પોતાના દેશવાસીઓને જ નહીં પરંતુ વિશ્વના અન્ય લોકોને પણ મદદ કરે છે. મંત્રીએ કહ્યું, આપણે લોકડાઉન દરમિયાન કિંમતો વધાર્યા વિના 150 દેશોમાં દવાઓ મોકલી હતી.

દુનિયાએ માન્યું કે મુશ્કેલીના સમયમાં ભારત પર વિશ્વાસ કરી શકાય

કેન્દ્રીય મંત્રીએ સંબોધનમાં આગળ જણાવ્યું કે દુનિયાને એ વાતનો અહેસાસ થયો કે કટોકટીના સમયમાં ભારત તેમની સાથે ઉભું છે. વિશ્વના ઘણા દેશો માનતા હતા કે મુશ્કેલીના સમયમાં ભારત પર વિશ્વાસ કરી શકાય છે. નાગરિકોના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકતા માંડવીયાએ જણાવ્યું હતું કે વિકાસ માત્ર માળખાકીય સુવિધાઓનો નથી. દેશની સમૃદ્ધિ માટે નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણા તમામ શાસ્ત્રોએ આરોગ્ય અને સુખાકારીને મહત્વ આપ્યું છે અને તેની આસપાસ જીવનશૈલી પ્રણાલી સૂચવી છે.