ભારે વરસાદને કારણે ગુજરાતમાં બેકાબૂ સ્થિતિ, પીએમ મોદીએ મદદ માટે ખાતરી આપી

  • vatannivat
  • 11-07-2022 11:27 AM

- છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદને કારણે ગુજરાતમાં સ્થિતિ ગંભીર

- અમદાવાદમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

કેન્દ્ર સરકાર NDRF સહિત તમામ જરૂરી સહાય પૂરી પાડશે

ગુજરાતમાં ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિને કારણે બગડેલી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ મોદીને છેલ્લા 48 કલાકમાં રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRF સહિત તમામ જરૂરી સહાય પૂરી પાડશે.

છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં સ્થિતિ ગંભીર

તો અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદને કારણે નદીઓમાં વધારો થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાંથી લગભગ 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 12 કલાકમાં 433 મીમી વરસાદ નોંધાયો હતો. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

48 કલાકમાં ભયંકર સ્થિતિ

છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદને કારણે ગુજરાતમાં સ્થિતિ ગંભીર બની રહી છે. છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં નદીઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાંથી 700થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો છોટા ઉદેપુર જિલ્લામાં સતત વરસાદને કારણે પુલનો એક ભાગ તૂટી પડ્યો હોવાની માહિતી મળી રહી છે. જ્યારે ગુજરાતના તાપી જિલ્લાના પંચોલ અને કુંભિયા ગામને જોડતો પુલ વરસાદથી ધોવાઈ ગયો હતો. આ સાથે જ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

NDRFની 13 ટીમો અને SDRFની 16 ટીમો તૈનાત

અમદાવાદમાં વરસાદના કારણે હાલત ખરાબ થઇ ચુકી છે. વરસાદ બંધ થયા બાદ પણ શહેરનાં અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. આ કારણોસર શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. NDRFની 13 ટીમો અને SDRFની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ અને મધ્ય ગુજરાતના 388 રસ્તાઓ વરસાદના કારણે બંધ થઈ ગયા છે.