શિક્ષકોના વર્ષો જૂના પ્રશ્નોનો આવશે ઉકેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત

  • vatannivat
  • 07-06-2022 11:23 AM

- શિક્ષકો અમારો પરિવાર છે અને પરિવારના વ્યાજબી તમામ પ્રશ્નનો ઉકેલ લાવવો અમારી જવાબદારી છે :  શિક્ષણમંત્રી

- શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લેવાયેલા નિર્ણયથી સરકારને રૂ. ૪૦૦ કરોડનો વધારાનો બોજ

 

શિક્ષણમંત્રી અને નાણામંત્રીનું સન્માન

રાજ્યના શિક્ષકોના વર્ષો જુના પ્રશ્નોના એકસાથે ઉકેલ લાવવા માટે આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગ)ના હોદ્દેદારો તેમજ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકો દ્વારા સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ તથા શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોરને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિતોનું મોમેન્ટો, શાલ, પુસ્તક તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.


રાજ્યમાં શિક્ષકોની ઘટ દૂર થતાં ક્વોલિટી એજ્યુકેશન મળશે

આ સન્માન કાર્યક્રમ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાણાંમંત્રી કનુભાઈ પટેલના હકારાત્મક અભિગમને કારણે માધ્યમિક સંવર્ગના ૨૫ થી ૩૦ વર્ષ જૂના પડતર પ્રશ્નનો ઉકેલ લાવી શકાયો છે. શિક્ષકો અમારો પરિવાર છે અને પરિવારના વ્યાજબી તમામ પ્રશ્નનો ઉકેલ લાવવો તે અમારી જવાબદારી છે. શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લેવાયેલા આ નિર્ણયથી સરકાર ઉપર રૂ. ૪૦૦ કરોડનો વધારાનો બોજ પડશે. પરંતુ ગુજરાતનું આવતીકાલનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને જ્ઞાન-શિક્ષણ આપતા રાજ્યના લાખો શિક્ષકો અને તેમના પરિવારને જે લાભ થશે તે અકલ્પનીય હશે. આ નિર્ણયથી માત્ર શિક્ષકોને જ નહિ પરંતુ વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. રાજ્યમાં શિક્ષકોની ઘટ દૂર થતાં ક્વોલિટી એજ્યુકેશન મળતું થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની કાર્યપ્રણાલી અપનાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ ની આ સરકાર હજુ પણ કોઈ નાની-મોટી સમસ્યાઓ હશે, તો સંવાદ કરીને તેને દૂર કરવા પ્રયત્ન કરશે.


રાજ્યના શિક્ષકોના ૯૮ ટકા પ્રશ્નોનો ઉકેલ રાજ્ય સરકારે લાવી દીધો : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે રાજ્યના મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રી તથા નાણામંત્રીનો આભાર માની કહ્યું હતું કે, રાજ્યના શિક્ષકોના ૯૮ ટકા પ્રશ્નોનો ઉકેલ રાજ્ય સરકારે લાવી દીધો છે. એકસાથે આટલા બધા પ્રશ્નોના ઉકેલને ઐતિહાસિક નિર્ણય ગણાવી તેમણે કહ્યું કે, રાજ્યના શિક્ષકો માટે આ સરકારે કરેલી ચિંતાઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ક્યારેય ભૂલશે નહીં.