દિલ્હીનાં લોકોની આરોગ્ય સુવિધામાં થશે વધારો, કેજરીવાલની મોટી જાહેરાત

  • vatannivat
  • 13-12-2022 09:25 AM

- 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 450 પ્રકારના મેડિકલ ટેસ્ટ ફ્રી કરવામાં આવશે : CM કેજરીવાલની જાહેરાત

- સરકારના મોહલ્લા ક્લિનિક્સ અને સરકારી હોસ્પિટલોમાં મફતમાં થશે ટેસ્ટ 

અત્યાર સુધી 212 પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યા છે

દિલ્હી સરકાર દ્વારા લોકોની આરોગ્ય સુવિધામાં વધારો કરવા અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા વર્ષ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને એક મોટી ભેટ આપશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોગ્ય વિભાગના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 1 જાન્યુઆરીથી રાજધાની દિલ્હીમાં 450 પ્રકારના મેડિકલ ટેસ્ટ ફ્રી થશે. આ ટેસ્ટ કેજરીવાલ સરકારના મોહલ્લા ક્લિનિક્સ અને સરકારી હોસ્પિટલોમાં મફતમાં થશે. અત્યાર સુધી 212 પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

કેજરીવાલનું ટ્વીટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વિટ કરી લખ્યું હતું કે કોઈપણ વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દરેકને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને શિક્ષણ પ્રદાન કરવાનું અમારું મિશન છે. હેલ્થકેર પણ મોંઘી બની છે. ઘણા લોકો ખાનગી આરોગ્ય સેવાઓ માટે ખર્ચ કરી શકતા નથી. દિલ્હી સરકારના આ નિર્ણયથી આવા તમામ લોકોને મદદ મળશે.