ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનો પ્રદેશ અધ્યક્ષ ઉપર ગંભીર આરોપ, જાણો શું આરોપ લગાવ્યા

  • vatannivat
  • 14-12-2022 06:29 AM

- કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનાં સાથીઓએ કોંગ્રેસ વિરુદ્ધ કામ કર્યું : રઘુ દેસાઈ

- પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પ્રદેશ પ્રમુખ સામે કાર્યવાહીની માંગ કરી

ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી

ગુજરાત ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજ્યમાં કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક વિખવાદ બહાર આવી રહ્યો છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ વિધાનસભા ચૂંટણી હારવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે પક્ષના કેન્દ્રીય નેતૃત્વ પાસે ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. દેસાઈએ આરોપ લગાવ્યો કે ઠાકોરના "નજીકના સાથીઓએ" ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો

ગુજરાતનાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ રઘુ દેસાઈએ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો. તેઓએ લખેલા પત્રમાં તેમની માંગણીનો ખુલાસો કર્યો હતો. તેમણે મંગળવારે આ પત્ર મીડિયા સાથે શેર કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે ઠાકોરના સાથીઓએ કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હતું અને રાધનપુરમાં પાર્ટીની હાર માટે જવાબદાર છે.