ગુજરાત રમખાણો પર BBC ડોક્યુમેન્ટરીનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, જાણો ક્યારે થશે સુનવણી

  • vatannivat
  • 30-01-2023 06:30 AM

- 6 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

- BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમમાં PIL

BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર

ગુજરાત રમખાણો ઉપર BBC દ્વારા રિલીઝ કરવામાં આવેલ ડોક્યુમેન્ટરી ભારતમાં હાલ ચર્ચામાં છે. તેવામાં કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. ગુજરાત રમખાણો પર BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા સંમતિ દર્શાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. ઉલ્લેખનીય ગણાશે કે, અરજદાર એમએલ શર્માએ સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ કેસની વહેલી સુનાવણીની અપીલ કરી હતી. આ પછી કોર્ટે તેની સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ કર્યો હતો. એડવોકેટ એમએલ શર્માએ તેમની પીઆઈએલમાં બંધારણીય પ્રશ્ન ઉઠાવ્યો છે. અરજીમાં, તેમણે સર્વોચ્ચ અદાલતને 2002ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્યો અને અહેવાલો જોવાનો બંધારણની કલમ 19(1) અને (2) હેઠળ નાગરિકોને અધિકાર છે કે કેમ તે નક્કી કરવા વિનંતી કરી છે.

BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ ગેરકાયદેસર, દુર્ભાવનાપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય

એડવોકેટ એમએલ શર્માએ અરજીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના 21 જાન્યુઆરી, 2023ના BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાના આદેશને ગેરકાયદેસર, દુર્ભાવનાપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યો છે. તેમજ તેને રદ કરવા માટે નિર્દેશ માંગ્યો હતો. અરજીમાં પૂછવામાં આવ્યું છે કે શું કેન્દ્ર સરકાર પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકે છે જે બંધારણની કલમ 19(1)(2) હેઠળ આપવામાં આવેલ મૂળભૂત અધિકાર છે. સાથોસાથ તે એમ પણ જણાવે કે 'શું ભારતના બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કટોકટી જાહેર કર્યા વિના કેન્દ્ર સરકાર દ્વારા કટોકટીની જોગવાઈઓ લાગુ કરી શકાય છે?' વરિષ્ઠ વકીલે દાવો કર્યો છે કે BBC ડોક્યુમેન્ટ્રીમાં 'રેકોર્ડેડ તથ્યો' છે. આ હકીકતોનો ઉપયોગ પીડિતો માટે ન્યાયના કારણને આગળ વધારવા માટે થઈ શકે છે.

દેશમાં ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગને લઈને હોબાળો

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે કેન્દ્ર સરકારે 21 જાન્યુઆરીએ BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી "ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન" પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનોએ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો