ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે, પરંપરાગત રીતે કરાયું સ્વાગત

  • vatannivat
  • 20-02-2023 12:33 PM

- કચ્છના ધોરડો ખાતે પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતુ 

- ટેન્ટ સિટી ખાતે BSF બટાલિયન 3 દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું  

કચ્છના સફેદ રણમાં કેમલ સફારી માણીને સૂર્યાસ્ત નિહાળ્યો 

કચ્છની મુલાકાત દરમિયાન ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુદેશ ધનખડે કચ્છના વિશ્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી. કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસતી આભામાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ તથા ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છના રણમાં નિહાળેલ આ સૂર્યાસ્તને જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. વધુમાં તેઓએ ધોરડો ખાતે યોજાતા વિશ્વ વિખ્યાત રણોત્સવ એ વર્તમાનને સંસ્કૃતિ સાથે જોડતું હોવાનું જણાવ્યું હતું.


ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધોરડો ગામના સરપંચ સાથે વાતચિત્ત કરી 

મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન પાસેથી કચ્છના આ રણની કેવી રીતે કાયાપલટ થઈ, રણ પ્રદેશ કઈ રીતે સમગ્ર વિશ્વ ફલક પર પ્રવાસનના મહત્વના સ્થળ તરીકે પ્રસ્થાપિત થયું વગેરે જેવી ઉત્તરોત્તર થયેલ વિકાસની માહિતી મેળવી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ઉપરાષ્ટ્રપતિના અંગત સચિવ સુજીત કુમાર, રાજ્યસભાના સેક્રેટરી રજીત પુનહાની, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, ટી.સી.જી.એલ.ના એમડી આલોક પાંડે, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડ, અબડાસા પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ સહિત મહાનુભાવો જોડાયા હતા.