અમેરિકી વિદેશ મંત્રી માર્ચમાં આવશે ભારતની મુલાકાતે, G-20 બેઠકમાં આપશે હાજરી

  • vatannivat
  • 24-02-2023 05:51 AM

- અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન 1 માર્ચે ભારતની મુલાકાતે આવશે

- ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારતીય રાજનેતાઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે  

- G-20 દેશોમાં વિશ્વની 60% વસ્તી, વૈશ્વિક GDPના 85% અને વૈશ્વિક વેપારના 75%નો સમાવેશ 

ભારતમાં તેઓ G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થશે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન 1 માર્ચે ભારતની મુલાકાતે આવશે. તેઓ G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં બહુપક્ષીયવાદને મજબૂત કરવા અને ખાદ્ય, ઉર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ પર સહકારને ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.મળતી માહિતી મુજબ તેઓ ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારતીય રાજનેતાઓ અને અધિકારીઓની મુલાકાત લેશે. 

ભારત પહેલા આ દેશોની મુલાકાત કરશે

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની વિદેશ પ્રવાસ 28 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં તેઓ સૌપ્રથમ 28 ફેબ્રુઆરીએ કઝાકિસ્તાનની મુલાકાત લેવાના છે. ત્યાં દ્વિપક્ષીય વાટાઘાટો પછી, ઉઝબેકિસ્તાનની મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રી એન્ટની 1 માર્ચના રોજ ભારતની મુલાકાત લેશે. અહીં તેઓ G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવાનાં છે.

G-20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે

આ વખતે ભારત વિશ્વના સૌથી શક્તિશાળી G-20 ગ્રુપની અધ્યક્ષતા કરી રહ્યું છે. જેમાં વિશ્વના તમામ વિકસિત દેશો G-20 જૂથમાં સમાવિષ્ટ છે, જેની વિશ્વમાં GDPની ભાગીદારી અંદાજે 85% હોય છે. G-20 દેશોમાં વિશ્વની 60% વસ્તી, વૈશ્વિક GDPના 85% અને વૈશ્વિક વેપારના 75%નો સમાવેશ કરવામાં આવે છે. G-20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, રિપબ્લિક ઓફ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ અને અમેરિકાનો સમાવેશ થાય છે.