ફેબ્રુઆરીના અંતમાં પારો 40ની નજીક પહોંચવાની હવામાન વિભાગની આગાહી

  • vatannivat
  • 09-02-2023 12:43 PM

- પાછલા એક અઠવાડિયામાં ગરમીના પ્રમાણમાં વધારો લઘુત્તમ તાપમાન વધીને 15ની આસપાસ પહોંચ્યું છે 

ફેબ્રુઆરી પૂર્ણ થતા તાપમાનમાં વધારો થવાની સંભાવના 

રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે પરંતુ રાત્રે તથા વહેલી સવારે હજુ પણ બરફીલી ઠંડી અનુભવાઈ રહી છે. આ વર્ષે શિયાળાની અસર ડિસેમ્બરના બદલે જાન્યુઆરીમાં વધુ અનુભવાઈ હતી. આ પછી ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આવામાં હવે ફેબ્રુઆરી પૂર્ણ થતા સુધીમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચો જતા આકરા ઉનાળાની શરૂઆત 

પવનની દિશામાં ફેરફાર થતા તાપમાનમાં જલદી ફેરફાર થતો જોવા મળશે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે, અને આ દિશામાં ફેરફાર થવાથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઊંચું આવી રહ્યું છે. ચાલુ અઠવાડિયા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી. ફેબ્રુઆરી આગળ વધતા ઠંડીનું જોર ઘટતું જઈ રહ્યું છે.  જાન્યુઆરી પછી ઠંડીના જોરમાં ઘટાડો થઈ રહ્યો છે અને પાછલા એક અઠવાડિયામાં રાજ્યમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં અઠવાડિયા પહેલા જે તાપમાન 28 ડિગ્રી હતું તે હવે વધીને 32 પર પહોંચ્યું છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચો જતા આકરા ઉનાળાની શરુઆત થઈ શકે છે.

રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન 

અમદાવાદ સિવાય ભૂજમાં પણ મહત્તમ તાપમાન 32 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે રાજ્યમાં ગાંધીનગર અને મહુવામાં સૌથી વધુ મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના ભાગોમાં તાપમાનનો પારો 30 ને પાર થઈ ગયો છે. દ્વારકા અને ઓખામાં અનુક્રમે લઘુત્તમ તાપમાન 25 અને 26 ડિગ્રી નોંધાયું છે.રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 13 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં લઘુત્તમ તાપમાન15 અને તેનાથી ઉપર નોંધાયું છે. જેમાં સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન દ્વારકા અને ઓખામાં 20  ડિગ્રીથી ઉપર નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16  અને ગાંધીનગરમાં 15 નોંધાયું હતું.

રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો 

ગુજરાતમાં આકરી ઠંડી અને તે પછી કમોસમી વરસાદ અને હવે ધીમે-ધીમે ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી હતી કે ફેબ્રુઆરીના અંતિમ ભાગમાં મહત્તમ તાપમાનનો પારો 38  ડિગ્રીએ પહોંચશે અને માર્ચમાં આકરી ગરમીનો અનુભવ થશે.રાજ્યમાં આગામી અઠવાડિયાની શરુઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે જ ગરમી જોર પકડશે. ફેબ્રુઆરીના અંતમાં મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી રહ્યા બાદ માર્ચમાં આકરી ગરમીનો અનુભવ થશે. માર્ચમાં પારો 40  ડિગ્રીની આસપાસ પહોંચી જશે. આ પછી અંગ દઝાડથી ગરમીની પણ પણ શરુઆત થઈ જશે.