મેઘાલયનાં ડેપ્યુટી CMએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

  • vatannivat
  • 23-02-2023 10:50 AM

- આઠમી અનુસૂચિમાં ખાસી-ગારો ભાષાનો સમાવેશ કરવામાં ભાજપે ઉપેક્ષા કરી : નાયબ મુખ્યમંત્રી

- ભાજપ જે રીતે મેઘાલયના લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર રાજનીતિ કરે છે તેનાથી મેઘાલયના લોકો દુ:ખી : પ્રેસ્ટોન ટાયન્સોંગ

ILP લાગુ કરવામાં કેન્દ્ર સરકાર અવગણના કરતી હોવાનો આક્ષેપ

મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. તેવામાં રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં મેઘાલયના નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટાયન્સોંગે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા હતા. ભાજપ પર પ્રહારો કરતા મેઘાલયના નાયબ મુખ્યમંત્રી અને નેશનલ પીપલ્સ પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રેસ્ટોન ટાયન્સોંગે જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વોત્તર રાજ્યમાં ઇનર લાઇન પરમિટ (ILP) લાગુ કરવામાં અને ખાસી અને ગારો ભાષાઓનો બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને અવગણવામાં આવી છે.

ભાજપ ચૂંટણી હારશે : નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટન ટાયન્સોંગે જણાવ્યું હતું કે મેઘાલયના લોકોના મુદ્દાઓ પર ભાજપ જે રીતે રાજકારણ કરે છે તેનાથી લોકો દુ:ખી છે અને આશા છે કે મતદારો ભાજપને સજા કરશે. રાજ્યમાં ILP લાગુ ન કરવા માટે ભાજપ જવાબદાર છે અને બંધારણની આઠમી અનુસૂચિમાં ખાસી અને ગારોનો સમાવેશ ન કરવા પણ ભાજપ જ જવાબદાર છે. જ્યારે ભાજપ પક્ષ પણ રાજ્ય સરકારનો ભાગ હતો ત્યારે આ સંબંધમાં મેઘાલય વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવો પર તેઓ ધ્યાન આપવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ ચૂંટણી હારી જશે તેમાં કોઈ શંકા નથી.

27 ફેબ્રુઆરીએ મેઘાલયની વિધાનસભા ચૂંટણી

મેઘાલય વિધાનસભાએ બે મુદ્દાઓ પર ઠરાવ પસાર કર્યા હતા અને કેન્દ્રને તેની તપાસ કરવા વિનંતી પણ કરી હતી. જયારે મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ અગાઉ અનેક પ્રસંગોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું અને તેમણે બંને માંગણીઓ પર વિચાર કરવા વિનંતી કરી હતી. નોંધનીય છે કે 60 સભ્યોના વિધાનસભા ગૃહની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ થશે અને મતગણતરી 2 માર્ચે થશે.