પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇઝરાયેલનાં PMએ ઘુમાવ્યો ફોન, જાણો ક્યાં મુદ્દાઓ પર થઇ ચર્ચા

  • vatannivat
  • 09-02-2023 06:01 AM

- બંને દેશોએ ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી : નેતન્યાહુનું ટ્વીટ 

- નેતન્યાહુએ ટેક્નોલોજી, અર્થતંત્ર અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી

બંને નેતાઓ વચ્ચે લગભગ 20 મિનિટ સુધી વાતચીત થઈ હતી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે બુધવારે ફોન પર વાત થઇ હતી. બંને નેતાઓએ દેશો વચ્ચેના 'નજીક અને મહત્વપૂર્ણ' સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. નેતન્યાહૂ અને પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. આ દરમિયાન તેમણે ટેક્નોલોજી, અર્થતંત્ર અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં નેતન્યાહુ સત્તામાં પરત ફર્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ બીજી ફોન વાતચીત હતી. ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી વાતચીત થઈ હતી.

નેતન્યાહુનું ટ્વીટ 

નેતન્યાહુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે બંને દેશોએ ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. નેતન્યાહુએ વધુમાં લખ્યું- અમે ઉચ્ચ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને સુરક્ષા અને આર્થિક સંબંધોને આગળ વધારીશું. 

વડાપ્રધાન મોદીનું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે પીએમ નેતન્યાહૂ સાથે વાત કરી અને બહુપક્ષીય ભારત-ઈઝરાયેલ મિત્રતાને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. નવીનતા ભાગીદારી તેમજ સંરક્ષણ અને સુરક્ષામાં ચાલુ સહકાર પર તેમના ધ્યાન પર પણ ચર્ચા કરી.

ગયા વર્ષે છઠ્ઠી વખત PM બન્યા છે નેતન્યાહુ

નોંધનીય છે કે નેતન્યાહૂ ગયા વર્ષે 29 ડિસેમ્બરે છઠ્ઠી વખત ઈઝરાયેલના વડાપ્રધાન બન્યા હતા. તેઓ યહૂદી રાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ, કૃષિ અને પાણી સહિતના અનેક ક્ષેત્રોમાં વર્ષોથી સંબંધો ગાઢ બન્યા છે.