મોરબી પુલ દુર્ઘટનાનાં મામલે ઓરેવા ગ્રૂપના MD જયસુખ પટેલનું સરેન્ડર

  • vatannivat
  • 31-01-2023 12:18 PM

- ઓરેવા ગ્રૂપના MD જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું

- જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો નિર્ણય

મોરબીની CJM કોર્ટમાં કર્યું સરેન્ડર 

ગુજરાતના મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના આરોપી અને ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે મંગળવારે મોરબીની CJM કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ. અગાઉ CJM કોર્ટે જયસુખ પટેલ વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. પરંતુ ધરપકડ ટાળવા પટેલે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

ઝૂલતો પુલ તૂટતાં 135 લોકોના મોત થયા હતા

ગયા વર્ષે દિવાળી બાદ 30 ઓક્ટોબરે ગુજરાતના મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો જુલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાત પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સામેલ હતા. જેમાં કંપનીના બે મેનેજર અને બે ટિકિટ ક્લાર્ક છે.

જયસુખ પટેલની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. જયસુખ પટેલે 20 જાન્યુઆરીએ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી. ગુજરાત પોલીસે 27 જાન્યુઆરીએ જ મોરબી સસ્પેન્શન બ્રિજ અકસ્માત કેસમાં 1,262 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.