નોટબંધી પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કેન્દ્ર અને RBIની ઝાટકણી કાઢી

  • vatannivat
  • 07-12-2022 08:48 AM

- કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી

- નોટબંધી વિરુદ્ધ 58 અરજીઓ સુપ્રીમમાં દાખલ 

સરકાર જે પ્રક્રિયા હેઠળ નિર્ણય લે છે તેના પર કોઈપણ સમયે વિચાર કરી શકાય : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટમાં નોટબંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. મંગળવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કેન્દ્ર અને RBIને આકરા સવાલો કર્યા હતા. ન્યાયમૂર્તિ એસએ નઝીરની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે આર્થિક નીતિના મામલામાં ન્યાયિક સમીક્ષાના મર્યાદિત અવકાશનો અર્થ એ નથી કે કોર્ટ ચૂપ બેસી રહે. બેન્ચે વધુમાં કહ્યું કે સરકાર જે પ્રક્રિયા હેઠળ નિર્ણય લે છે તેના પર કોઈપણ સમયે વિચાર કરી શકાય છે.

પાંચ જજોની બંધારણીય બેંચમાં સુનવણી 

નોંધનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી. કેન્દ્રના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. નોટબંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ 58 અરજીઓની સુનવણી કરવામાં આવી રહી છે. જસ્ટિસ એસએ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરત્ન પણ છે.

આર્થિક નીતિના કાયદાકીય પાલનની બંધારણીયતા કોર્ટ દ્વારા તપાસવામાં આવી શકે છે

કોર્ટે કહ્યું કે કોઈપણ નિર્ણયની યોગ્યતા અંગે લોકો માટે શું શ્રેષ્ઠ છે તે સરકાર પોતાની શાણપણથી નિર્ણય લે. પરંતુ રેકોર્ડ પર શું નિર્ણય લેવામાં આવ્યો હતો, શું બધી પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હતી, તે અમે વિચારી શકીએ છીએ. RBI તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ નોટબંધી પ્રક્રિયાનો બચાવ કર્યો ત્યારે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ગુપ્તાએ કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈ ક્ષતિ રહી નથી. બાદમાં બેન્ચે કહ્યું કે આર્થિક નીતિના કાયદાકીય પાલનની બંધારણીયતા કોર્ટ દ્વારા તપાસવામાં આવી શકે છે.