ચાર્જશીટ સાર્વજનિક કરવા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો શું કહ્યું

  • vatannivat
  • 21-01-2023 10:29 AM

- ચાર્જશીટ 'પબ્લિક ડોક્યુમેન્ટ' નથી, સાર્વજનિક કરી શકાય નહીં : સુપ્રીમ

- જેને કેસ સાથે કોઈ લેવાદેવા નથી તેવા લોકોને FIR આપવામાં આવે તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે : સુપ્રીમ કોર્ટ

ચાર્જશીટ ઓનલાઈન પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે ચાર્જશીટને સાર્વજનિક કરવા મુદ્દે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કેસની ચાર્જશીટ સાર્વજનિક દસ્તાવેજ નથી, તેથી તેને પબ્લિક ડોમેનમાં રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ચાર્જશીટનો ખુલાસો કરવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દેતા કહ્યું કે, ગુનાહિત મામલામાં તપાસ એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને સાર્વજનિક કરી શકાય નહીં. કોર્ટે પોતાના આદેશમાં ચાર્જશીટ ઓનલાઈન પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે 9 જાન્યુઆરીએ સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

કોર્ટે ફગાવી દલીલો

સુપ્રીમ કોર્ટે આ સુનવણી દરમ્યાન વધુમાં કહ્યું હતું કે જો FIR એવા લોકોને આપવામાં આવે છે જેમને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. આ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે દરેક જાહેર સત્તાધિકારીની ફરજ છે કે દરેક માહિતી લોકો સમક્ષ રાખવી. પ્રશાંત ભૂષણે કહ્યું કે જનતાને એ જાણવાનો અધિકાર છે કે આરોપી કોણ છે અને કયો ગુનો આચરવામાં આવ્યો છે. જોકે, કોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી.

કોણે દાખલ કરી હતી અરજી

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પત્રકાર સૌરવ દાસે પોલીસ ચાર્જશીટને સામાન્ય જનતા માટે પબ્લિક ડોમેનમાં મૂકવાની માંગ કરી હતી. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે કહ્યું કે આ રીતે આરોપી તેમજ પીડિતા અને તપાસ એજન્સીના અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે છે. વેબસાઈટ પર એફઆઈઆર મૂકવી એ ચાર્જશીટને સાર્વજનિક બનાવવા સમાન ગણી શકાય નહીં.