અભિવ્યક્તિની સ્વતંત્રતા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો કોર્ટે શું નિર્ણય કર્યો

  • vatannivat
  • 03-01-2023 07:23 AM

- મંત્રીના નિવેદન માટે સરકારને જવાબદાર ન ઠેરવી શકાય : સુપ્રીમ 

- જનપ્રતિનિધિઓની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને કોઈ વધારાના નિયંત્રણોની જરૂર નથી : કોર્ટ 

સુપ્રીમની ખંડપીઠે શું કહ્યું 

સુપ્રીમ કોર્ટમાં આજે અભિવ્યક્તિની સ્વતંત્રતા મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમની બંધારણીય બેંચે અભિવ્યક્તિની સ્વતંત્રતાના મામલે મંગળવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે કોઈપણ મંત્રી, સાંસદ કે ધારાસભ્યના નિવેદન માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં. બંધારણીય ખંડપીઠે કહ્યું છે કે મંત્રી દ્વારા આપવામાં આવેલ નિવેદન કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રની બાબત માટે આપવામાં આવ્યું હોય, પરંતુ તેમાં સામૂહિક જવાબદારીના સિદ્ધાંતને લાગુ કરી શકાય નહીં અને સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં.

પાંચ ન્યાયધીશોની બંધારણીય બેન્ચે કરી સુનવણી

સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ એસ એ નઝીરની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે જણાવ્યું હતું કે કલમ 19(2) હેઠળ ઉલ્લેખિત સિવાય જનપ્રતિનિધિઓની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ વધારાના નિયંત્રણોની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાજ્ય અથવા કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અથવા ઉચ્ચ હોદ્દા પર રહેલા વ્યક્તિઓની અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતા પર કોઈ પ્રતિબંધ હોઈ શકે છે?