BBC ડોક્યુમેન્ટ્રી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી, જાણો કોર્ટે શું કહ્યું

  • vatannivat
  • 03-02-2023 10:17 AM

- સુપ્રીમે કેન્દ્રને નોટિસ પાઠવી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો 

- આ મામલે આગામી સુનવણી એપ્રિલ  મહિનામાં થશે

ડોક્યુમેન્ટ્રી બ્લોક કરવાના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરો: કોર્ટનો કેન્દ્રને નિર્દેશ

BBC દ્વારા જાહેર કરવામાં આવેલ ડોક્યુમેન્ટ્રી અંગે વિવાદ વકરી રહ્યો છે. કેન્દ્ર સરકારે રિલીઝ ઉપર પ્રતિબંધ મુક્યો છે. તો અમુક જગ્યાએ ડોક્યુમેન્ટ્રી નું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 2002ના ગુજરાત રમખાણોને લગતી બીબીસી ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ રોકવાના કેન્દ્ર સરકારના આદેશ સામે સુપ્રીમમાં અરજી દાખલ થઇ હતી. આ અરજી પર સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ જારી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ને બ્લોક કરવાના તેના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા કહ્યું છે. હવે આ મામલે એપ્રિલમાં સુનાવણી થશે.

ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવી : સુપ્રીમમાં રજુઆત

વરિષ્ઠ પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં જાહેર ડોમેનમાં આદેશો વિના કટોકટી સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકારને આ સંબંધિત આદેશ દાખલ કરવા કહી રહ્યા છીએ અને તેની તપાસ કરીશું. નોંધનીય છે કે સર્વોચ્ચ અદાલતે 30 જાન્યુઆરીએ કહ્યું હતું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પરની વિવાદાસ્પદ બીબીસી દસ્તાવેજી પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર પણ સુનાવણી કરશે.

શું છે સમગ્ર વિવાદ 

બ્રિટિશ બ્રોડકાસ્ટર BBC એ ભારતઃ ધ મોદી ક્વેશ્ચન નામની નવી બે ભાગની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. જેમાં પીએમ મોદીના પ્રારંભિક તબક્કાના રાજકીય પ્રવાસની વાત કરવામાં આવી છે. આ સાથે જ તેમનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનું જોડાણ, ભાજપમાં તેમનું વધતું કદ અને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની તેમની નિમણૂકની પણ તેમાં ચર્ચા કરવામાં આવી છે. તેમાં મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં થયેલા રમખાણોનો પણ ઉલ્લેખ છે. આ ભાગ ગુજરાત રમખાણોમાં પીએમ મોદીની કથિત ભૂમિકા વિશે વાત કરે છે. આ અંગે વિવાદ ચાલી રહ્યો છે.