પક્ષપલટાને લઈને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, જાણો શું કહ્યું

  • vatannivat
  • 07-12-2022 06:12 AM

- આપણી નૈતિકતા કેટલી હદે ઘટી ગઈ છે : સુપ્રિમ કોર્ટ 

- 2019માં પક્ષપલટાને લગતી આ અરજી કરવામાં આવી હતી

કોર્ટે કાયદા ઘડનારાઓમાં નૈતિકતાના ઘટાડાને લઈને ખેદ વ્યક્ત કર્યો

રાજકીય પક્ષોમાં ખાસ ચૂંટણી સમયે જાણે પક્ષપલટાની મોસમ ખીલી હોય તેવું જોવા મળે છે. ત્યારે પક્ષપલટાના વધતા જતા મામલાઓને જોતા સુપ્રીમ કોર્ટે કાયદા ઘડનારાઓમાં નૈતિકતાના ઘટાડાને લઈને ખેદ વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે ગોવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગિરીશ ચોડંકરની અરજી પર સુનાવણી દરમિયાન આ અંગે ટિપ્પણી કરી હતી.

કાનૂની પ્રશ્નો પર વિચાર માટે સુનવણી આવતા વર્ષે સૂચિબદ્ધ કરવામાં આવશે

ગોવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગિરીશ ચોડંકર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ આ અરજી 2019માં કોંગ્રેસ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના 12 ધારાસભ્યોના ભાજપમાં કથિત પક્ષપલટાને લગતી છે. તાજેતરમાં કોંગ્રેસના નવ ધારાસભ્યોના ભાજપમાં પક્ષપલટોનો ઉલ્લેખ કરતા ચોડંકરના વકીલે મોટા કાનૂની પ્રશ્ન પર વિચાર કરવા વિનંતી કરી હતી. જેના પર જસ્ટિસ શાહે મૌખિક ટિપ્પણી કરી કે, 'હવે આપણી નૈતિકતા કેટલી હદે ઘટી ગઈ છે.' પરંતુ આ બાબતને તાકીદે સુનાવણીની જરૂર ન હોવાનું અવલોકન કરતાં બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે તેને આવતા વર્ષે સૂચિબદ્ધ કરવામાં આવે, જેથી કાનૂની પ્રશ્નો પર વિચાર કરી શકાય.

બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે

હાલની અરજીમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે ગોવા વિધાનસભાના 12 સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી જેઓ કથિત રીતે ભાજપમાં જોડાયા હતા. હાઈકોર્ટે સ્પીકરના નિર્ણયને માન્ય રાખ્યો હતો.