દેશમાં ખાંડનાં ભાવમાં વધારો થવાની શક્યતા, જાણો કારણ

  • vatannivat
  • 31-01-2023 08:33 AM

- વરસાદથી શેરડીના પાકને નુકશાન થતાં ખાંડના ભાવમાં વધારાની શક્યતા

- મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા

દેશમાં ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ

આગામી સમયમાં દેશમાં ખાંડના ભાવમાં વધારો થઇ શકે છે. તેનું કારણ એ છે કે દેશના અગ્રણી ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા કરે છે. દેશના કુલ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. આ વખતે મહારાષ્ટ્રમાં શુગર મિલોને વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન થવાના કારણે નિયત સમય કરતાં બે મહિના પહેલાં બંધ કરી દેવામાં આવી શકે છે. આ સાથે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષ કરતા ૭ ટકા ઓછું થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની અસર દેશની ખાંડની નિકાસ પર પડવાની શક્યતા

સિઝનની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૩૮ લાખ ટનથી વધુ રહેવાનો અંદાજ હતો. પરંતુ વાસ્તવિક ઉત્પાદન ઘટીને ૧૨૯-૧૩૦ લાખ ટન થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષની જેમ જ વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું હતું. મરાઠાવાડા ક્ષેત્રમાં શેરડીની એકર દીઠ ઉત્પાદકતામાં આશરે ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. વરસાદને કારણે પાક નિષ્ફળ જવાને કારણે આવું બન્યું છે. ચાલુ સિઝનમાં મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની અસર દેશની ખાંડની નિકાસ પર પણ પડી શકે છે.

શુગર કમિશનરે શુગર મિલના સંચાલકો સાથે બેઠક યોજી

એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રના શુગર કમિશનર શેખર ગાયકવાડે શુગર મિલના સંચાલકો સાથે બેઠક યોજીને આ સિઝનમાં રાજ્યમાં ઉત્પાદિત થતી ખાંડ અંગે ચર્ચા કરી હતી. ગાયકવાડે જણાવ્યું હતું કે ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીનો વધુ ઉપયોગ પણ થઈ શકે છે. ખાંડના ઉત્પાદનનો અંદાજ ૧૩૮ લાખ ટનથી વધુ હતો, જે હવે ઘટીને ૧૨૯-૧૩૦ લાખ ટન થઈ શકે છે. ગાયકવાડે કહ્યું કે વધુ પડતા વરસાદથી શેરડીના છોડનું કદ ઓછું થયું છે. આ કારણે આ વર્ષે ક્રશિંગ માટે શેરડી ઓછી મળે છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષ કરતા ૪૫ થી ૬૦ દિવસ વહેલા શેરડીનું પિલાણ બંધ કરવાની તૈયારી છે.

ગતવર્ષે રેકોર્ડ ૧૧.૨ મિલિયન ટન ખાંડની નિકાસ કરી હતી

વર્ષ ૨૦૨૧-૨૨ની સિઝનમાં મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ૧૩૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્રમાં ખાંડના બમ્પર ઉત્પાદનને કારણે ભારતે ગયા વર્ષે રેકોર્ડ ૧૧.૨ મિલિયન ટન ખાંડની નિકાસ કરી હતી. આ વર્ષે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં માત્ર ૬૦ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરકાર નિકાસ અંગે નવેસરથી વિચારી રહી છે.