મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરેનાં કાફલા ઉપર પથ્થરમારો

  • vatannivat
  • 08-02-2023 07:15 AM

- ઔરંગાબાદમાં શિવ સંવાદ યાત્રા દરમિયાન આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો

- આદિત્ય ઠાકરે જનસભાને સંબોધવા જઈ રહ્યા હતા તે સમયે થયો પથ્થરમારો

વૈજાપુરના મહાલગાંવમાં જનસભાને સંબોધવા પહોંચ્યા હતા આદિત્ય ઠાકરે 

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો કરવાનો આરોપ લાગ્યો છે. આદિત્ય ઠાકરે શિવ સંવાદ યાત્રા દરમિયાન વૈજાપુરના મહાલગાંવમાં જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની જાહેર સભા દરમિયાન હોબાળો થયો હતો અને જ્યારે આદિત્ય ઠાકરે કાર્યક્રમમાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો આદિત્ય ઠાકરેની કારની સામે આવ્યા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

પથ્થરમારો થયો હોવાનો પોલીસનો ઇન્કાર

વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ આ અંગે જણાવ્યું કે જાહેર સભા દરમિયાન પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આદિત્ય ઠાકરે જ્યારે જનસભાને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે પણ તેમના કાફલા પર કેટલાક પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ભીડ સ્થાનિક ધારાસભ્ય રમેશ બોરનારેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહી હતી. દાનવેએ વધુમાં કહ્યું હતું કે અસામાજિક તત્વો દ્વારા બે જૂથો વચ્ચે અથડામણ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંબાદાસ દાનવેએ કહ્યું કે તેમણે મહારાષ્ટ્રના ડીજીપીને પત્ર લખીને આદિત્ય ઠાકરેની સુરક્ષામાં ક્ષતિની જાણકારી આપી છે. મામલાને ગંભીર ગણાવતા દાનવેએ ડીજીપીને ઔરંગાબાદની ઘટનાની તપાસ કરવા અને જરૂરી પગલાં લેવાની માંગ કરી છે. જયારે પોલીસે પથ્થરમારો થયો ન હતો અને માત્ર સૂત્રોચ્ચાર જ થયા હતા તેમ જણાવ્યું હતું.