કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા અંગે વિદેશ મંત્રાલયનું નિવેદન

  • vatannivat
  • 18-02-2023 09:45 AM

- તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા માટે પરિસ્થિતિ હજુ પણ છે પડકારજનક

- કોવિડ-19ને કારણે આ યાત્રા છેલ્લા ત્રણ વર્ષથી બંધ 

આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં પ્રતિબંધો સાથે પરિસ્થિતિ હજી પણ પડકારરૂપ

વિદેશ મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે, તિબેટમાં કૈલાશ માનસરોવરની યાત્રા ફરી શરૂ કરવા માટે પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે. કેન્દ્ર દ્વારા આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં યાત્રા ફરી પાછી શરૂ કરવા અંગે જાહેરાત કરે તેવી અપેક્ષા છે. નોંધનીય છે કે કોવિડ-19ને કારણે આ યાત્રા છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં પ્રતિબંધો સાથે પરિસ્થિતિ હજી પણ પડકારરૂપ છે. આ અંગે વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને તાજેતર રાજ્યસભામાં જણાવ્યું હતું કે, યાત્રા ફરી શરૂ કરતાં પહેલાં યાત્રીઓની સુરક્ષા પ્રાથમિક પૂર્વશરત છે. સરકાર આ બાબતે નજર રાખી રહી છે અને આ અંગેની માહિતી સમયસર આપવામાં આવશે.

યાત્રાળુઓને વિદેશ મંત્રાલય સ્વ-ધિરાણના ધોરણે સહાય પૂરી પાડે છે

કૈલાશ માનસરોવરની યાત્રા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગ છે. વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ લા પાસ, આ બે સત્તાવાર માર્ગો દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. મંત્રાલય દિલ્હી, ઉત્તરાખંડ અને સિક્કિમની રાજ્ય સરકારો તેમજ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ સાથે મળીને કામ કરે છે. જ્યારે સરકાર દ્વારા વ્યક્તિગત યાત્રાળુઓને સીધી નાણાકીય સબસીડી આપવામાં આવતી નથી. ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા સ્વ-ધિરાણના ધોરણે યાત્રાળુઓને સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાયમાં પરિવહન, રહેઠાણ, ખોરાક, તબીબી પરીક્ષણો અને માર્ગદર્શિકાઓ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. યાત્રાના સારા સંચાલન માટે મંત્રાલય પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનની સરકાર તેમજ વિવિધ ભારતીય એજન્સીઓ સાથે પણ સંકલન કરે છે.