શુભમન ગિલની છેલ્લા 17 દિવસમાં ચોથી સદી, ન્યુઝીલેન્ડ સામે T20માં રમી 126* રનની તોફાની ઇનિંગ્સ

  • vatannivat
  • 02-02-2023 07:02 AM

- શુભમન ગિલ ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો 

- શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બની ગયો 

શુભમન ગિલે તેની કારકિર્દીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ ભારતીય ટીમે કરતા તેમને 20 ઓવરમાં ચાર વિકેટમાં 234 રન બનાવ્યા હતા. જેમાં શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી અને તેણે આ સદી 54 બોલમાં ફટકારી હતી. શુભમન 63 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 126 રન બનાવીને અણનમ રહ્યો હતો.

શુભમન ગિલ એ છેલ્લા 17 દિવસમાં ચોથી સદી ફટકારી 

છેલ્લા 17 દિવસમાં શુભમનની આ ચોથી આંતરરાષ્ટ્રીય સદી છે. આ પહેલા શુભમને ODI ફોર્મેટમાં ત્રણ સદી ફટકારી છે. જેમાં તેણે એક બેવડી સદી પણ ફટકારી છે. આ વર્ષે 15 જાન્યુઆરીએ શુભમને શ્રીલંકા સામેની વનડેમાં 116 રન બનાવ્યા હતા, ત્યારબાદ 18 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં 208 રન બનાવ્યા હતા. 24 જાન્યુઆરીએ શુભમને ન્યૂઝીલેન્ડ સામે 112 રન બનાવ્યા હતા. હવે તેણે ટી20માં પણ સદી ફટકારી છે.

ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન

આ સાથે શુભમન T20આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો. તેના પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડ્ડા એ T20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સદી ફટકારી ચુક્યા છે . તે જ સમયે, તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો. તેના પહેલા રૈના, રોહિત, રાહુલ અને કોહલી ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી ચુક્યા છે. કુલ મળીને શુભમન ગિલની આ છઠ્ઠી આંતરરાષ્ટ્રીય સદી હતી.

રોહિત-કોહલીને પાછળ છોડી બન્યો નંબર 1

શુબમનનો 126* ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, તેણે ગયા વર્ષે દુબઈમાં અફઘાનિસ્તાન સામે વિરુદ્ધ 122 રન બનાવ્યા હતા. રોહિત આ મામલે 118 રન સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંયોજનમાં ટી20 ફોર્મેટમાં શુભમનનો આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. તેણે 2022માં કર્ણાટક સામે પંજાબ તરફથી T20માં  126 રન બનાવ્યા હતા.