શિવસેનાનાં નામ અને ચૂંટણી ચિન્હ પર ચૂંટણીપંચનાં નિર્ણય બાદ સંજય રાઉતનો મોટો દાવો

  • vatannivat
  • 19-02-2023 09:20 AM

- શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ ખરીદવા માટે 2000 કરોડની ડીલ થઈ : સંજય રાઉતનો દાવો

- શિંદેનાં કેમ્પ દ્વારા દાવાને નકારવામાં આવ્યો 

તાજેતરમાં જ ચૂંટણીપંચે ચિન્હ અને નામ પર કર્યો છે નિર્ણય

ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનાં નામ અને ચૂંટણી ચિન્હ અંગે નિર્ણય કર્યો હતો. જેમાં શિંદે જૂથની જીત થઇ હોવાનું જણાયું હતું. ત્યારે હવે આ નિર્ણય બાદ ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો. રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે શિવસેના પાર્ટીનું નામ અને તેના ધનુષ અને તીરનું પ્રતીક ખરીદવા માટે 2000 કરોડ રૂપિયાનો સોદો કરવામાં આવ્યો છે. પરંતુ રાઉતનાં આ દાવાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેમ્પમાંથી ધારાસભ્ય સદા સરવણકરે નકારી કાઢી પ્રશ્ન કરતા પૂછ્યું હતું કે શું સંજય રાઉત કેશિયર છે?

રૂ. 2,000 કરોડ એ પ્રાથમિક આંકડો છે અને તે 100 ટકા સાચો છે : રાઉત

સંજય રાઉતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે રૂ. 2,000 કરોડ એ પ્રાથમિક આંકડો છે અને તે 100 ટકા સાચો છે. પત્રકારોને રાઉતે એમ પણ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષના નજીકના એક બિલ્ડરે તેમની સાથે આ માહિતી શેર કરી હતી. બાદમાં સાંય રાઉતે વધુમાં કહ્યું હતું કે તેમના દાવાને સમર્થન આપતા પુરાવા છે, જે તેઓ ટૂંક સમયમાં જાહેર કરશે.

શું છે સમગ્ર મામલો 

ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવામાં આવી હતી અને તેને 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો. સંગઠનના નિયંત્રણ માટેની લાંબી લડાઈ અંગેના 78 પાનાના આદેશમાં, ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફાળવેલ જ્વલંત મશાલ ચૂંટણી પ્રતીક રાખવાની મંજૂરી આપી છે. રાઉતે રવિવારે કહ્યું હતું કે શિવસેનાનું નામ ખરીદવા માટે 2,000 કરોડ રૂપિયા નાની રકમ નથી.