એસ.ટી.બસના કંડકટરે મહિલા વકીલ સાથે કરી ગેરવર્તણુક

  • vatannivat
  • 04-06-2022 04:58 PM

- સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટની બસમાં કંડક્ટરનું મહિલા વકીલ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન

- અમારા માટે લેડીસ ને પ્રાથમિકતા નહિ અમદાવાદના મુસાફરોને પ્રાથમિક્તા: કંડક્ટર

 

સ્ત્રી સશક્તિકરણની સરકારની વાતો, તંત્રના કર્મચારીનું વિરોધી વર્તન 

સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓ માટે અનામત તેમજ મહિલાઓને લગતી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તેમ કોઈપણ જગ્યાએ મહિલાઓને પ્રાથમિક્તા ની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ સરકારના જ એક તંત્ર એટલે કે એસ.ટી. તંત્રના અમુક કર્મચારી દ્વારા મહિલાઓને પ્રાથમિક્તા નહિ એવું કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

 

બુકિંગ વગરનાં અન્ય કોઈ મુસાફરને કંડકટરે બેસાડ્યા પણ મહિલા વકીલને નહી 

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં લીંબડી ડેપોની સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટની બસ બપોરનાં સમયે ઉપડે છે. તેવી જ રીતે તા.૪-૬-૨૨ના રોજ બપોરના સમયે ૧:૩૦ એ ઉપડતી બસમાં એક મહિલા મુસાફર લખતર સુધી જવા માટે બસમાં બેસવા જતા હતા. ત્યારે બસના કંડક્ટરે આ પહેલા મહેસાણાવાળી બસ ગઈ તેમાં કેમ ન બેસ્યા, આ બસ ફૂલ છે ઊભી રહેજે તેવું કહ્યું હતું. ત્યારે બસમાં એક સીટ ઉપર મહિલા મુસાફર બેસવા જતા તે સીટ બુકિંગ છે તેવું કંડકટર દ્વારા કહેવામાં આવેલ. બાદમાં તે સીટ ઉપર કોઈ ન આવતાં કંડક્ટરે અન્ય બુકિંગ વગરનાં કોઈ અમદાવાદના મુસાફરને ત્યાં બેસાડી દીધા હતાં.

 

અમદાવાદના મુસાફરને પ્રાયોરીટી, મહિલાને નહી: કંડકટર 

ત્યારબાદ કંડકટર ને આવું કેમ કર્યું તેવો પ્રશ્ન કરતા અમારા માટે અમદાવાદના મુસાફરો ને પ્રથમ પ્રાયોરિટી છે, લેડિસને નહિ તેવું જણાવ્યું હતું. આમ, કંડકટરના આવા વર્તનના કારણે મુસાફરને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મહિલાઓને નહિ અને શું અમદાવાદના મુસાફરોને પ્રાથમિક્તા આપવાનો કંઈ એસ.ટી. નિગમમાં નિયમ છે? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. તંત્ર આવા કંડકટર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

 

આવો કોઈ નિયમ નથી : અધિકારી

આ અંગે એસ.ટી. નિગમની રાજકોટખાતેની કચેરીના વિભાગીય નિયામકનો ટેલીફોનીક સંપર્ક સાધતાં અમદાવાદ ના મુસાફરોને પ્રાયોરિટી આવો કોઈ નિયમ ન હોવાનું જણાવ્યું હતું.