ડિફેન્સ એક્સ્પો 2022માં દેશમાં સંરક્ષણ ઉત્પાદન અંગે રાજનાથસિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 20-10-2022 10:48 AM

- સંરક્ષણ ઉત્પાદન વધારીને 2025 સુધીમાં રૂ. 1.8 લાખ કરોડે પહોંચાડવાનું લક્ષ્ય : સંરક્ષણ મંત્રી 

- રોકાણકારો કોઈપણ સમસ્યાના ઉકેલ માટે તેમનો અથવા સંરક્ષણ મંત્રાલયનો સીધો સંપર્ક કરી શકે છે : રાજનાથસિંહ 

સંરક્ષણ ક્ષેત્ર માટે આ સુવર્ણ યુગ : સંરક્ષણ મંત્રી

ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે ગુજરાતનાં ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો 2022 નિમિત્તે આયોજિત 'ઇન્વેસ્ટ ઇન ડિફેન્સ' કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશમાં સંરક્ષણ ઉત્પાદન સતત વધી રહ્યું છે. સરકાર 2025 સુધીમાં આ ઉત્પાદન વધારીને રૂ. 1.8 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. સંરક્ષણમંત્રીએ રોકાણકારોને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ સમસ્યાના ઉકેલ માટે કોઈપણ ખચકાટ વિના તેમનો અથવા સંરક્ષણ મંત્રાલયનો સીધો સંપર્ક કરી શકે છે. સંરક્ષણમંત્રીએ વધુમાં કહ્યું હતું કે માત્ર મોટા કોર્પોરેટ જ નહીં પરંતુ સ્ટાર્ટઅપ અને MSME પણ સંરક્ષણ ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્ર માટે આ સુવર્ણ યુગ છે. ભારતીય સંરક્ષણ ઉદ્યોગ એ ભવિષ્યનું ઊભરતું ક્ષેત્ર છે.

ખાનગી રોકાણકારો' માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા : રાજનાથસિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર દેશનું સંરક્ષણ ઉત્પાદન વધારવા માટે પણ સતત પ્રયાસો કરી રહી છે. હાલમાં તે $12 બિલિયન છે, તેને 2025 સુધીમાં વધારીને $22 બિલિયન કરવાનો લક્ષ્યાંક છે. આપણે આ લક્ષ્યને પાર પણ કરી શકીએ છીએ. સરકાર દ્વારા સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉત્પાદન વધારવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. અગાઉ સંરક્ષણ મંત્રાલયે ખાનગીરોકાણકારો માટે દરવાજા બંધ રાખ્યા હતા. રક્ષા મંત્રી અને અધિકારીઓએ રોકાણકારો સાથે બેઠકો યોજી ન હતી કારણ કે કોઈ તેમની તરફ આંગળી ચીંધશે તેવી આશંકા હતી, પરંતુ અમને તેની ચિંતા નથી. અમારા દરવાજા તમારા 'ખાનગી રોકાણકારો' માટે હંમેશા ખુલ્લા છે.

દેશ જોખમોથી સુરક્ષિત રહેશે તો તે વધુ ઝડપથી આગળ વધશે : રક્ષામંત્રી 

દેશની રક્ષા અને આર્થિક સમૃદ્ધિ એકબીજાના પૂરક છે. જો દેશ જોખમોથી સુરક્ષિત રહેશે તો તે વધુ ઝડપથી આગળ વધશે. આઝાદીના ઘણા વર્ષો પછી પણ ભારત એ માન્યતાથી આઝાદી મેળવી શક્યું નથી કે જો આપણે સંરક્ષણ ક્ષમતા વધારવા પર વધુ ધ્યાન આપીશું તો સામાજિક-આર્થિક મોરચે સમાધાન કરવું પડશે. લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે સંરક્ષણ અને વિકાસ બે વિરોધી ધ્રુવો છે, જેનો અર્થ એ છે કે જો આપણે સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો આપણે આપણી સંરક્ષણ ક્ષમતાઓ સાથે સમાધાન કરવું પડશે. રક્ષા મંત્રીએ કહ્યું કે હવે મને ખુશી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ આ ધારણામાંથી બહાર આવ્યો છે.