વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવાની ઘટનાઓ નિવારવા તંત્ર દ્વારા કામગીરી શરૂ, રેલવે મંત્રીએ જાણકારી આપી

  • vatannivat
  • 31-01-2023 06:42 AM

- પશુ અથડાવવાની ઘટનાઓ નિવારવા ‘વંદે ભારત’ રૂટ પર ફેન્સીંગ કામ શરૂ :  રેલવે મંત્રી

- ગયા વર્ષે વંદે ભારત ટ્રેન સાથે સતત પશુઓ અથડાયાના બનાવો બન્યા હતા

મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર મે સુધીમાં ફેન્સીંગ કાર્ય પૂર્ણ થવાની શક્યતા

ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનના રૂટ પર ફેન્સીંગનું કામ શરૂ કરી દીધું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક અહેવાલ આવ્યો હતો કે પશુઓને ટ્રેનથી બચાવવા માટે રેલવે ટ્રેકની બંને બાજુ ફેન્સીંગ કરવામાં આવશે. નોંધનીય છે કે ગયા વર્ષે વંદે ભારત ટ્રેન સાથે સતત પશુઓ અથડાયાના બનાવ બન્યા હતા. ત્યારબાદ રેલ્વે મંત્રાલયે ફેન્સીંગ લગાવવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં એવું જાણવા મળ્યું હતું કે પશ્ચિમ રેલવેએ મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર મે સુધીમાં ફેન્સીંગ કાર્ય પૂર્ણ કરાશે, જેથી પ્રાણીઓ રેલવે પાટા પર ન આવે અને ટ્રેનને તેમજ પ્રાણીને કોઈ નુકસાન ન થાય.

રેલવે મંત્રીએ કામગીરીનો વિડીયો શેર કર્યો

હાલમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘વંદે ભારત રૂટ પર ફેન્સીંગ કામ શરૂ થઈ ગયું છે.’ આ પોસ્ટ સાથે તેમણે વંદે ભારત ટ્રેનનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં વંદે ભારત ટ્રેન, રેલવે ટ્રેક પરથી પસાર થતી જોવા મળે છે. સાથે જ ટ્રેકની બંને બાજુ મેટલ ફ્રેમ ફેન્સીંગ કરેલુ જોવા મળે છે.

૨૬૪ કરોડ રૂપિયાનાં ખર્ચે ફેન્સીંગ થશે

સૌથી પહેલા મુંબઈ-અમદાવાદ ટ્રેક રૂટ પર મેટલ બેરિયર્સ લગાવીને ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૩૦ સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં ચાર વાર પ્રાણીઓ આ ટ્રેનની અડફેટમાં આવી ચૂક્યા છે. આ ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં પશ્ચિમ રેલવેએ આ પગલું ભર્યું છે. ચર્ચગેટ ખાતે રેલવે ઝોન હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ૬૨૦ કિલોમીટર લાંબા રેલવે માર્ગ પર ફેન્સીંગ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ કામ માટે અંદાજિત ૨૬૪ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

વેસ્ટર્ન રેલવેએ શું જણાવ્યું 

વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેન્સીંગ કોંક્રીટની દિવાલોથી નથી બનાવવામાં આવી રહી, પરંતુ તે મેટલની રેલીંગ દ્વારા બનાવવામાં આવી રહી છે. રેલવેએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોના નિર્માણ સમયે આવી ફેન્સીંગ કરવામાં આવે છે. જ્યાં અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. રેલવેએ એમ પણ કહ્યું કે તેનું કામ આવતા ૪ થી ૫ મહિનામાં પૂર્ણ થશે.