રાહુલ ગાંધીની અમદાવાદમાં સભા, કરી મોટી જાહેરાતો

  • vatannivat
  • 05-09-2022 10:43 AM

- ખેડૂતોની લોન માફી, 500 રૂપિયામાં સિલિન્ડર અને મફત વીજળી સહિતની મોટી જાહેરાતો કરી 

- ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં વિરોધ કરતા પહેલા તમારે જેની સામે તમે વિરોધ કરશો તેની પરવાનગી લેવી પડે છે : રાહુલ 

રાહુલના ભાજપ ઉપર પ્રહારો 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમ્યાન રાહુલ ગાંધીએ સોમવારે ગુજરાતના અમદાવાદમાં સભાને સંબોધિત કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલ ખેડૂતોના અવાજ હતા. તેમની સૌથી ઉંચી પ્રતિમા ભાજપ દ્વારા ઉભી કરવામાં આવી છે અને બીજી તરફ સરદાર પટેલ જેમના માટે લડ્યા હતા તેમની વિરુદ્ધમાં કામો કરવામાં આવ્યા છે. 

ડ્રગ્સ મુદ્દે ગુજરાત સરકાર પર પ્રહાર 

ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે. મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ લઇ જવામાં આવે છે, પરંતુ સરકાર કોઈ પગલાં લેતી નથી. આ છે ગુજરાત મોડલ. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં વિરોધ કરતા પહેલા તમારે પરવાનગી લેવી પડે છે, જેની સામે તમે વિરોધ કરશો તેમની પાસેથી પરવાનગી લેવી પડશે?

રાહુલ ગાંધીએ શું કર્યા વાયદાઓ 

રાહુલ ગાંધીએ કહ્યું કે, જો અમે ગુજરાતમાં સત્તામાં આવીશું તો ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરીશું, કોરોના મહામારી દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપશું. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે ખેડૂતોને મફત વીજળી અને સામાન્ય ગ્રાહકોને 300 યુનિટ મફત વીજળી આપીશું. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવાની અને છોકરીઓને મફત શિક્ષણ આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ 1000 રૂપિયાનો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં મળશે.