કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઈને રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને પત્ર, જાણો પત્રમાં શું કહ્યું

  • vatannivat
  • 04-02-2023 08:09 AM

- રાહુલ ગાંધીએ PM મોદીને કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે અપીલ કરી

- ઉપરાજ્યપાલ દ્વારા કાશ્મીરી પંડિતો માટે 'ભિખારી' જેવા શબ્દોનો ઉપયોગ કરવો તે બેજવાબદાર : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનું ટ્વીટ 

રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીનાં રોજ જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થઇ છે. ત્યારે ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપતા ટ્વીટમાં લખ્યું છે કે 'વડાપ્રધાન, ભારત જોડો યાત્રા દરમિયાન કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ મને મળ્યું અને તેમની દુઃખદ સ્થિતિ જણાવી. આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ કિલિંગનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતોને કોઈપણ સુરક્ષા ગેરંટી વિના ખીણમાં જવા માટે દબાણ કરવું એ ક્રૂર પગલું છે. આશા છે કે તમે આ બાબતે યોગ્ય પગલાં ભરશો.

રાહુલે પત્રમાં શું લખ્યું

રાહુલ ગાંધીએ ટ્વીટની સાથે એક પત્ર પણ શેર કર્યો છે. તેઓએ શેર કરેલ પત્ર 2 ફેબ્રુઆરીનો છે. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન કાશ્મીર ઘાટીમાંથી વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાય તરફ દોર્યું છે. તેમણે પત્રમાં લખ્યું કે તાજેતરના ભૂતકાળમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતો અને અન્યોની હત્યાને કારણે ઘાટીમાં ભય અને નિરાશાનું વાતાવરણ સર્જાયું છે. પત્રમાં વધુમાં જણાવતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે સમગ્ર ભારતને પ્રેમ અને એકતાના દોરમાં જોડવા માટે ચાલી રહેલી ભારત જોડો યાત્રાના જમ્મુ તબક્કે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ તેમની સમસ્યાઓ અંગે મને મળ્યું હતું. તેઓએ જણાવ્યું કે સરકારી અધિકારીઓ તેમને કાશ્મીર ઘાટીમાં કામ પર પાછા જવા માટે દબાણ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આ સંજોગોમાં સલામતી અને સુરક્ષાની કોઈ ખાતરી વિના તેમને ખીણમાં કામ પર જવા માટે દબાણ કરવું એ ક્રૂર પગલું છે. કોંગ્રેસ નેતાએ અપીલ કરી અને લખ્યું કે જ્યાં સુધી સ્થિતિ સુધરે અને સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર આ કાશ્મીરી પંડિત કર્મચારીઓ પાસેથી અન્ય વહીવટી અને જાહેર સુવિધાઓમાં સેવાઓ લઈ શકે છે.

રાહુલ ગાંધીનાં પત્રમાં રાજ્યપાલ સામે આક્ષેપો 

રાહુલ ગાંધીએ પત્રમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પર આરોપો લગાવતા લખ્યું હતું કે 'જ્યારે કાશ્મીરી પંડિતો જેઓ પોતાની સુરક્ષા અને પરિવારની ચિંતા માટે અરજી કરી રહ્યા છે તેઓ સરકાર પાસેથી સહાનુભૂતિ અને સ્નેહની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર દ્દ્રારા તેમના માટે 'ભિખારી' જેવા શબ્દોનો ઉપયોગ બેજવાબદાર છે. 'મેં કાશ્મીરી પંડિત ભાઈ-બહેનોને આશ્વાસન આપ્યું છે કે હું તેમની ચિંતાઓ અને માંગણીઓ તમારા(વડાપ્રધાન) સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ. હું આશા રાખું છું કે તમને આ માહિતી મળતાં જ તમે(વડાપ્રધાન) આ અંગે યોગ્ય પગલાં ભરશો.