સુભાષ ચંદ્ર બોઝ જયંતિ પર RSS ચીફનું સંબોધન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 23-01-2023 06:34 AM

- ભારતને મહાન બનાવવાનું નેતાજીનું સપનું અધૂરું છે, આપણે સાથે મળીને તેને પૂરું કરવું પડશે : મોહન ભાગવત

- નેતાએ પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું : RSS ચીફ

કોલકાતાના શહીદ મિનાર મેદાનમાં RSS નો કાર્યક્રમ

આજે દેશભરમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળમાં જુદી જુદી જગ્યાઓએ મોટાપાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતાના શહીદ મિનાર મેદાનમાં સંઘની પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

મોહન ભાગવતનું સ્વયંસેવકોને સંબોધન

RSSના વડા મોહન ભાગવત પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. ભાગવતે સંબોધન કરતા કહ્યું હતું કે નેતાજીએ પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું છે. નેતાજીનું જીવન લગભગ નિર્વાસિત જીવન જીવવા જેવું હતું. તેમણે પોતાનું મોટાભાગનું જીવન વનવાસમાં વિતાવ્યું હતું. તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે.

આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ : ભાગવત

સરસંઘચાલક મોહન ભાગવતે કોલકાતામાં આયોજિત અભિવાદન કાર્યક્રમમાં કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે નેતાજીના સપના હજુ પૂરા થયા નથી. આપણે તેને સાથે મળીને પૂર્ણ કરવા પડશે. નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આપણા પૂર્વજો દ્વારા બતાવેલ માર્ગ પર ચાલીને આપણે આ દુનિયામાં શાંતિ અને ભાઈચારો ફેલાવી શકીએ છીએ. આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે.