મહારાષ્ટ્ર રાજ્યપાલની છત્રપતિ શિવાજી અંગેની ટિપ્પણીનાં વિરોધમાં પૂણે બંધનું એલાન

  • vatannivat
  • 13-12-2022 07:03 AM

- રાજ્યપાલ કોશ્યારીની ટિપ્પણી સામે વિપક્ષો દ્વારા આજે પૂણે બંધનું એલાન

- પુણેમાં બંધની અસર જોવા મળી 

વિરોધ પક્ષો અને મરાઠા સંગઠનોએ આજે પુણે બંધનું આહ્વાન

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. જેને લઈને વિરોધ પક્ષો અને મરાઠા સંગઠનો રાજ્યપાલના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેવામાં મહારાષ્ટ્રના રાજ્યપાલે છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિરોધ પક્ષો અને મરાઠા સંગઠનોએ આજે પુણે બંધનું આહ્વાન કર્યું છે. આહ્વાન થતા જ પુણે શહેરમાં બંધની અસર જોવા મળી રહી છે. રસ્તાઓ ઉપર સન્નાટો છે તો દુકાનો પણ બંધ છે.

આ સુવિધાઓ બંધ દરમ્યાન ખુલ્લી રહેશે

શહેરમાં બંધ દરમિયાન મેડિકલની દુકાનો દિવસભર ખુલ્લી રહેશે. જ્યારે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ જેવી કે કરિયાણાની દુકાનો, દૂધની દુકાનો મંગળવારે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. ફેડરેશન ઑફ ટ્રેડ એસોસિએશન ઑફ પુણે (FATP)એ પણ બંધને સમર્થન આપ્યું છે. પુણે બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ભાજપ સિવાય તમામ પક્ષોએ બંધને સમર્થન આપ્યું : NCP 

મરાઠા સંભાજી બ્રિગેડ સહિત અનેક સંગઠનો અને વિપક્ષી દળોએ આજે સવારે પુણેમાં શિવાજી મહારાજ પર રાજ્યપાલ કોશ્યારીની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં મૌન કૂચ કરી અને બંધને સમર્થન આપ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પુણેના અધ્યક્ષ પ્રશાંત જગતાપે કહ્યું કે રાજ્યપાલ કોશ્યારીએ મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે. ભાજપ સિવાય તમામ પક્ષોએ બંધને સમર્થન આપ્યું છે.