સુરતમાં ઓવૈસીની સભામાં વિરોધ, સભામાં 'મોદી-મોદી'ના નારા લાગ્યા

  • vatannivat
  • 14-11-2022 10:04 AM

- ઓવૈસીની સભામાં "ગો બેક"નાં નારા પણ લાગ્યા 

- સુરતમાં ઓવૈસીની સભામાં યુવાનો દ્વારા કાળા ઝંડા બતાવી વિરોધ કરવામાં આવ્યો 

સુરતમાં ઓવૈસીને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં જોરશોરથી લાગી ગઈ છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીઓ પણ પોતાનાં ઉમેદવારો માટે સભા અને રેલીનું આયોજન કરી રહી છે. તેવામાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સુરત પહોંચેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીને રવિવારે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓની સભા દરમ્યાન યુવાનોએ નારા લગાવી વિરોધ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી જેવા સુરતમાં જનસભામાં ભાગ લેવા રૂદરપુરા ખાડી પહોંચ્યા તો ત્યાં મુસ્લિમો સહિત ભીડમાં કેટલાક યુવાનોએ હોબાળો શરૂ કરી દીધો અને મોદી-મોદીના તેમજ "ગો બેક"નાં  નારા લગાવી ઓવૈસીનો વિરોધ કર્યો હતો. તેઓએ ઓવૈસીની મુલાકાતના વિરોધમાં ચારેબાજુ કાળા ધ્વજ ફરકાવ્યા હતા. નોંધનીય છે કે ઓવૈસી સુરત પૂર્વ બેઠક પરથી આગામી વિધાનસભા ચૂંટણી લડી રહેલા AIMIM ઉમેદવાર માટે પ્રચાર કરવા શહેરમાં હતા. ઉલ્લેખનીય ગણાશે કે ગયા અઠવાડિયે AIMIMના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે તે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી મુસાફરી કરી રહ્યા હતા. જોકે, પોલીસે આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો હતો.