વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે, રાજ્યને 3500 કરોડની ભેટ આપશે

  • vatannivat
  • 10-06-2022 02:37 AM

- PM મોદી ગુજરાતમાં IN-SPACE હેડક્વાર્ટર, મેડિકલ કોલેજ અને વોટર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

- વડાપધાન 12 યોજનાઓનો શિલાન્યાસ કરશે અને 14 યોજનાઓનું ભૂમિપૂજન કરશે

રાજ્યમાં વિવિધ જગ્યાએ ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ધીમે ધીમે રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ દરમ્યાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગૃહરાજ્ય ગુજરાતના પ્રવાસે છે. PM મોદી સવારે 10:15 વાગ્યે નવસારીમાં 'ગુજરાત ગૌરવ અભિયાન' દરમિયાન અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ લગભગ 12:15 વાગ્યે તેઓ નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. PM બપોરે લગભગ 3:45 વાગ્યે અમદાવાદના બોપલ ખાતે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન (IN-SPACE) ના મુખ્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.

'ગુજરાત ગૌરવ અભિયાન' નામના કાર્યક્રમમાં ભાગ લેશે પીએમ

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ગુજરાત ગૌરવ અભિયાન' નામના કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ નવસારીના આદિવાસી વિસ્તાર ખુડવેલમાં આશરે રૂ. 3050 કરોડની વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં 7 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ થયેલ છે. આ પ્રોજેક્ટ્સ વિસ્તારમાં પાણી પુરવઠાને સુધારવામાં તેમજ કનેક્ટિવિટી અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

તાપી,નવસારી, સુરત માટે પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન કરશે

વડાપ્રધાન મોદી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે રૂ. 961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કરશે. તેઓ નવસારી જિલ્લાની એક મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કરશે, જે આશરે રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જે વિસ્તારના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સેવા પૂરી પાડવામાં મદદ કરશે.

IN-SPACE ની સ્થાપનાને જૂન 2020 માં મંજૂરી અપાઈ હતી 

IN-SPACEના પ્રમુખ પવન કુમાર ગોએન્કાએ જણાવ્યું હતું કે "આજનો દિવસ IN-SPACE તેમજ અવકાશ ઉદ્યોગ માટે ખૂબ જ મોટો દિવસ છે, કારણ કે વડાપ્રધાન પોતે વિશ્વને IN-SPACE બનાવવા પાછળના વિઝનની કલ્પના કરે છે અને તે ભારતીય અવકાશને કેવી રીતે પરિવર્તિત કરશે, તેના વિશે જણાવવા પ્રોત્સાહન આપશે." પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જૂન 2020 માં IN-SPACE ની સ્થાપનાને મંજૂરી આપી હતી.

IN-SPACE નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે

IN-SPACEના પ્રમુખે વધુમાં જણાવ્યું કે IN-SPACE એ અવકાશ પ્રવૃત્તિઓ અને બિન-સરકારી ખાનગી સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે નોડલ એજન્સી હશે. તેનો આશય અવકાશ ક્ષેત્ર માટે મહત્તમ ખાનગી ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહેશે. આ એજન્સી જૂન 2020 માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ લોન્ચ વાહનો અને ઉપગ્રહોના ઉત્પાદન સહિત અવકાશ પ્રવૃત્તિઓને મંજૂરી આપશે અને તેનું નિરીક્ષણ કરશે.