વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તુર્કીમાં મદદે ગયેલ સભ્યોની પ્રશંસા

  • vatannivat
  • 22-02-2023 07:38 AM

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન દોસ્ત'ના સભ્યોને કહ્યું- "દેશને તમારા પર ગર્વ છે"

- વડાપ્રધાન મોદીએ કર્મચારીઓ પાસેથી તમામ માહિતી લીધી

માનવતા, માનવીય સંવેદનશીલતાની વાત હોય તો ભારત માનવ હિતને સર્વોપરી રાખે છે : નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ’ઓપરેશન દોસ્ત’માં સામેલ NDRF અને અન્ય સંસ્થાઓના ભારતીય બચાવ વ્યાવસાયિકો સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન NDRFના ડીજી અતુલ કરવલ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મીઓ પાસેથી તમામ અંગફે વિગતે માહિતી લીધી હતી. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઓપરેશન દોસ્ત સાથે જોડાયેલી આખી ટીમ, પછી તે  NDRF હોય, એરફોર્સ હોય કે અમારી અન્ય સેવાઓ, બધાએ ઉત્તમ કામ કર્યું છે. અમારા બેજૂબાન દોસ્ત DOG સ્ક્વોડે પણ અદ્ભુત ક્ષમતાઓ દર્શાવી છે. દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ ગમે તે હોય, જો તે માનવતા, માનવીય સંવેદનશીલતાની વાત હોય તો ભારત માનવ હિતને સર્વોપરી રાખે છે. 

આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુંબકમ વિશે શીખવ્યું : વડાપ્રધાન

પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુંબકમ વિશે શીખવ્યું છે. તેથી તે તુર્કી હોય કે સીરિયા, સમગ્ર ટીમે આ ભારતીય મૂલ્યોને પ્રદર્શિત કર્યા છે. આપણે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, દેશને ઓપરેશન દોસ્ત સાથે જોડાયેલી આખી ટીમ પર ગર્વ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મદદ કરી શકે છે, તો તમે તેને આત્મનિર્ભર કહી શકો છો, પરંતુ જ્યારે કોઈ બીજાની મદદ કરવા સક્ષમ હોય છે, ત્યારે તે નિઃસ્વાર્થ હોય છે. 

મોદીએ કચ્છ ભૂકંપને કર્યો યાદ

આપણે જ્યાં પણ ત્રિરંગો લઈને પહોંચીએ છીએ ત્યાં એક આશ્વાશન મળે છે કે, હવે ભારતીય ટીમો આવી ગઈ છે અને હવે સ્થિતિ સારી થવા લાગશે. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમે બધાએ તમારી હિંમત અને માનવતાવાદી કાર્યની તસવીરો જોઈ છે, જ્યાં એક માતા તમને કપાળ પર ચુંબન કરીને આશીર્વાદ આપી રહી હતી. એ જ રીતે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે મેં સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું અને લોકોને બચાવવામાં પડતી મુશ્કેલીઓ મેં જોઈ છે.