વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટકમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન

  • vatannivat
  • 19-01-2023 10:43 AM

- આપણે વિકસિત ભારત બનાવવું છે: નરેન્દ્ર મોદી 

- સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પરિયોજના સંબંધિત યોજનાઓની કર્ણાટકને ભેટ 

સુરત-ચેન્નઈ ઈકોનોમિક કોરિડોરનું કામ પણ આજથી શરૂ

કર્ણાટકમાં આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે યાદગીરી જિલ્લામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કોડકલ ખાતે સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પરિયોજના સંબંધિત વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ હાજર હતા. વડાપ્રધાને રાયપુર લેફ્ટ બેંક કેનાલ- વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નારાયણપુર ડાબા કાંઠાની નહેરના વિસ્તરણનો સીધો લાભ કલબુર્ગી, યાદગીરી અને વિજયપુર જિલ્લાના લાખો ખેડૂતોને મળશે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં આવતા સુરત-ચેન્નઈ ઈકોનોમિક કોરિડોરનું કામ પણ આજથી શરૂ થઈ ગયું છે. આનાથી કલબુર્ગી અને યાદગીરીમાં રહેવાની સરળતા પણ વધશે.

હર ઘર જલ અભિયાન ડબલ એન્જીન સરકારના કામનું શ્રેષ્ઠ ઉદાહરણ

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉત્તર કર્ણાટકના વિકાસ માટે જે રીતે ઝડપથી કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. આ માટે હું મુખ્યમંત્રી બોમાઈની પ્રશંસા કરું છું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકારે યાદગીરી સહિત દેશના આવા 100 થી વધુ જિલ્લાઓમાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શરૂ કર્યો હતો. અમે આ જિલ્લાઓમાં સુશાસન પર ભાર મૂક્યો અને વિકાસના દરેક સ્કેલ પર કામ શરૂ કર્યું છે. ડબલ એન્જિન સરકાર કેવી રીતે કામ કરી રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હર ઘર જલ અભિયાનમાં જોવા મળે છે.

આપણે ભારતને વિકસિત દેશ બનાવવો છે : પ્રધાનમંત્રી  

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. હવે દેશ આગામી 25 વર્ષ માટે નવા સંકલ્પોને પૂર્ણ કરવા આગળ વધી રહ્યો છે. આ સમય દરેક રાજ્ય અને દરેક વ્યક્તિ માટે અમૃત છે. આ સમયગાળામાં આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. તેમણે કહ્યું કે, ભારતનો વિકાસ ત્યારે થઈ શકે છે જ્યારે દેશનો દરેક નાગરિક, દરેક પરિવાર, દરેક રાજ્ય આ અભિયાનમાં જોડાય, જ્યારે ખેતરમાં કામ કરતા ખેડૂત અથવા ઉદ્યોગોમાં કામ કરતા મજૂરનું જીવન વધુ સારું હોય.