વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, જાણો વંદે ભારત ટ્રેનની વિશેષતાઓ

  • vatannivat
  • 30-09-2022 06:48 AM

- વડાપ્રધાને ગાંધીનગર સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

- વંદે ભારત ટ્રેનમાં કવચ ટેક્નોલોજી પ્રથમવાર શરૂ કરવામાં આવી

દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે આજે તેમના પ્રવાસના બીજા દિવસે દેશને આજે ત્રીજી સ્વદેશી નિર્મિત હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગર સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા.

ટ્રેનમાં કુલ 1128 મુસાફરોની બેઠક ક્ષમતા

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કુલ 1128 મુસાફરોની બેઠક ક્ષમતા છે. પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 15 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી-વારાણસી રૂટ પર દોડી હતી. તો બીજી ટ્રેન નવી દિલ્હીથી શ્રી વૈષ્ણો દેવી માતા, કટરા રૂટ સુધી ચલાવવામાં આવી હતી. ત્રીજી વંદે ભારત ટ્રેન અગાઉની વંદે ભારત ટ્રેનોથી અલગ હશે. આ નવી ટ્રેનમાં મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ટ્રેનમાં કોવિડને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન 'કવચ' ટેકનોલોજીથી સજ્જ છે.

શું છે કવચ ટેકનોલોજી

ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ આ વંદે ભારત ટ્રેનમાં કવચ (ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ) ટેક્નોલોજી પ્રથમવાર શરૂ કરવામાં આવી રહી છે. કવચ ટેક્નોલોજીની મદદથી બે ટ્રેનોના સામસામે અથડાવા જેવા અકસ્માતો અટકાવી શકાશે. આ ટેક્નોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે, જેના કારણે તેની કિંમત ઘણી ઓછી છે. કેન્દ્ર સરકાર દ્વારા 2022 ના બજેટમાં 'કવચ' હેઠળ રેલ નેટવર્કને 2,000 કિલોમીટર સુધી લાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી.

વંદે ભારત ટ્રેનમાં શું સુવિધા

સ્વદેશી સેમી-હાઈ સ્પીડ તરીકે જાણીતી આ વંદે ભારત ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ હાંસલ કરે છે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ સાથે ઓટોમેટિક પ્લગ ડોર તેમજ ટચ ફ્રી સ્લાઇડિંગ ડોર ફીટ કરવામાં આવ્યા છે. AC મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ સેન્ટર અને મેન્ટેનન્સ સ્ટાફ સાથે કમ્યુનિકેશન અને ફીડબેક માટે GSM/GPRS જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી સુવિધા સાથે બાયો-વેક્યુમ શૌચાલય પ્રદાન કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, દૃષ્ટિહીન મુસાફરોની સુવિધા માટે આવા મુસાફરો તેમની બેઠકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે સીટો પર બ્રેઈલ લિપિમાં નંબરો કોતરવામાં આવ્યા છે.

સલામતીથી સજ્જ ટ્રેન

આધુનિક ટેક્નોલોજીના સંદર્ભમાં, આ ટ્રેનમાં બહેતર ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર પાછળના વ્યૂ કેમેરા સહિત ચાર પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યુબિકલ્સ અને ટોઇલેટ્સમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ જેવા બહેતર ફાયર સેફ્ટી પગલાં મૂકવામાં આવ્યા છે.