પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, સાબર ડેરી પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

  • vatannivat
  • 28-07-2022 10:59 AM

- ગુજરાતનું અર્થતંત્ર મજબૂત બનશે : વડાપ્રધાન

- સાબર ડેરીના રૂ. 1000 કરોડના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

આજે સાબર ડેરીનો વિસ્તાર થયો : વડાપ્રધાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાત કરવાના છે. ત્યારે આજે તેઓ હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સાબર ડેરી)ના રૂ. 305 કરોડના મિલ્ક પાવડર પ્લાન્ટ નું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ સાબર ડેરીના રૂ.1000 કરોડના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પોતાનું સંબોધન પણ કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાવડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇનના ઉમેરા સાથે સાબર ડેરીની ક્ષમતામાં વધારો થશે.

દરેક વ્યક્તિ જાણે છે કે બે દાયકા પહેલા અહીં શું સ્થિતિ હતી: પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બે દાયકા પહેલા અહીં શું સ્થિતિ હતી, તમે પણ જાણો છો અને મેં પણ તે સારી રીતે જોયું છે. આજકાલ આપણે ગુજરાતના ઘણા ભાગોમાં અતિશય વરસાદના પડકારનો સામનો કરી રહ્યા છીએ. પણ વરસાદ આવવો એ ગુજરાતીઓ માટે આટલો મોટો આનંદ અને સંતોષ છે, તે બહારના લોકોને ખબર નથી.

ડેરીએ અર્થવ્યવસ્થાને સ્થિરતા, સુરક્ષા અને પ્રગતિની તકો પણ આપી : પીએમ મોદી


વડાપ્રધાને જણાવ્યું કે જેમ ગુજરાતમાં સિંચાઈની સુવિધા વિસ્તરી છે, તેવી જ રીતે અમે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ઘણો વિકાસ કર્યો છે અને ડેરીએ તેને ઘણી તાકાત આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ડેરીએ અર્થવ્યવસ્થાને સ્થિરતા પણ આપી, સુરક્ષા પણ આપી અને પ્રગતિની નવી તકો પણ આપી.

પરંપરા અને સંસ્કૃતિ છે તો સહકાર છે અને સહકાર છે તો જ સમૃદ્ધિ છે: PM

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં જે વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે તેના આજે સારા પરિણામો મળી રહ્યા છે. આજે ગુજરાતનું ડેરી માર્કેટ 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં સહકારીની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિ છે. ત્યારે જ સહકાર છે અને સહકાર છે તો જ સમૃદ્ધિ છે. દૂધ સંબંધિત સહકારી ચળવળ દ્વારા જે સફળતા મળી છે, તે હવે અમે ખેતી સાથે સંબંધિત અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કરી રહ્યા છીએ.

ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડને પાર : પ્રધાનમંત્રી

પીએમ મોદીએ જણાવ્યું હતું કે નાની જમીન ધરાવતા ખેડૂતોની આવક પણ વધી છે. એટલે કે પાક સિવાયની આવકના વૈકલ્પિક સ્ત્રોતો પર કામ કરવાની વ્યૂહરચના આજે કામ કરી રહી છે. ખાદી અને ગ્રામોદ્યોગ પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું છે. આ જ કારણ છે કે છેલ્લા 8 વર્ષમાં આ વિસ્તારમાંથી ગામમાં 1.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે.

10 હજાર ખેડૂત ઉત્પાદક સંઘની રચનાનું કામ ઝડપથી ચાલી રહ્યું છેઃ PM નરેન્દ્ર મોદી

આજે દેશમાં 10 હજાર ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ની રચનાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ એફપીઓ દ્વારા નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિન્ક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન સાથે સીધા જોડાઈ શકશે. તેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો થશે. તેમ વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું.

વડાપ્રધાનના હસ્તે પશુપાલક મહિલાઓનું સન્માન


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાબર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધવામાં આવી હતી. જ્યાં પ્રધાનમંત્રીના હસ્તે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સાબર ડેરીની પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.