વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચમાં સભાને સંબોધી, દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ

  • vatannivat
  • 10-10-2022 11:07 AM

- ગુજરાત 'અર્બન નક્સલવાદીઓને' રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરવા દેશે નહીં : નરેન્દ્ર મોદી 

- વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાનની ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતને નિર્ણાયક માનવામાં આવે છે

પ્રધાનમંત્રીએ 8,000 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.9-10-22થી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે છે. ત્યારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીનો આજે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી મોદીએ આજે ભરૂચ જિલ્લાના આમોદખાતે રૂ. 8,000 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તે અંતર્ગત તેઓએ દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને સભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સૌથી પહેલા દિવંગત નેતા મુલાયમ સિંહ યાદવને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે મુલાયમ સિંહ યાદવનું નિધન દેશ માટે મોટી ખોટ છે. મુલાયમજી સાથે મારો ખાસ સંબંધ હતો.

અર્બન નક્સલવાદીઓની પાછળ વિદેશી શક્તિઓ : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા દરમ્યાન કહ્યું હતું કે ગુજરાત "અર્બન નક્સલીઓ"ને રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરવા દેશે નહીં. સાથોસાથ વડાપ્રધાને નક્સલવાદીઓને ગુજરાતમાં ઘૂસવા ન દેવા બદલ આદિવાસીઓના વખાણ પણ કર્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે ઘણા રાજ્યોમાં નક્સલવાદીઓએ યુવાનોને હથિયારો આપીને તેમનું ભવિષ્ય બરબાદ કર્યું. પીએમએ કહ્યું હતું કે અર્બન નક્સલવાદીઓની પાછળ વિદેશી શક્તિઓ છે.

અંકલેશ્વરખાતે નવું એરપોર્ટ બનાવવા માટે શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે હવે ભરૂચ બરોડા કે સુરત એરપોર્ટ પર નિર્ભર ન રહી શકે, હવે ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઈએ, તેથી આજે અંકલેશ્વર ખાતે નવું એરપોર્ટ બનાવવા માટે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશ-વિદેશમાંથી આટલો વેપાર-ધંધો થયા બાદ હવે એરપોર્ટની સુવિધા મળી રહી છે ત્યારે વિકાસને નવી ઝડપ અને નવી ફ્લાઈટ મળવા જઈ રહી છે. 

ગુજરાતને દેશનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક મળ્યોઃ PM મોદી

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જ્યારે પણ આપણે ભારતનો ઈતિહાસ વાંચીએ છીએ અને ભવિષ્યની વાત કરીએ છીએ ત્યારે ભરૂચની ચર્ચા હંમેશા ગર્વથી થાય છે. આ ધરતીએ આવા અનેક બાળકોને જન્મ આપ્યો છે, જેમણે પોતાના કામથી દેશને ગૌરવ અપાવ્યું છે. આજે ગુજરાતને પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક મળ્યો છે, અને તે પણ ભરૂચને. કેમિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા પ્લાન્ટનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાને અર્થવ્યવસ્થા ઉપર શું કહ્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમ્યાન દેશની અર્થવ્યવસ્થા ઉપર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે મેં 2014માં દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે તે સમયે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં 10મા સ્થાને હતી અને હવે તે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને તો જેઓએ આપણા ઉપર અઢીસો વર્ષ સુધી રાજ કર્યું તે બ્રિટેનની અર્થવ્યવસ્થાને પાછળ છોડી આપણી અર્થવ્યવસ્થા પાંચમા ક્રમે પહોંચી ગઈ છે.