મોટી આદરજ ગામેથી અમિત શાહ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની શરૂઆત

  • vatannivat
  • 16-01-2023 10:21 AM

- ઈન્ડિયા સ્કાઉટ્સ એન્ડ ગાઈડ એ દેશભક્તિ, સેવા અને સમર્પણનો સંચાર કરીને સંપૂર્ણ નાગરિક બનાવવાની કવાયત: શાહ 

- 2024માં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાશે : કેન્દ્રીય ગૃહમંત્રી 

ગાંધીનગરમાં આશરે 50 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના ગાંધીનગરમાં આશરે 50 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમ્યાન શાહે મોટી આદરજથી પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની શરૂઆત પણ કરાવી હતી. આ તકે સંબોધન કરતા શાહે કહ્યું હતું કે, મોટી આદરજમાં 50 કરોડના આરોગ્યલક્ષી વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અહીં એક મોટું આરોગ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે અને તેના નિર્માણ દ્વારા તમામ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે.

સ્કાઉટ ગાઈડ અંગે શાહે શું કહ્યું 

અમિત શાહે સ્કાઉટ ગાઈડના તાલીમ કેન્દ્રના રહેણાંક મકાનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે, સ્કાઉટ્સ એન્ડ ગાઈડ એ એક રીતે વૈશ્વિક આંદોલન છે, પરંતુ ઈન્ડિયા સ્કાઉટ્સ એન્ડ ગાઈડ એ દેશભક્તિ, સેવા અને સમર્પણનો સંચાર કરીને સંપૂર્ણ નાગરિક બનાવવાની કવાયત છે.

મોદી 2024માં ફરી પીએમ બનશે

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, ગુજરાતની ચૂંટણીના પરિણામો માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. કારણ કે તેણે સંદેશ આપ્યો છે કે 2024માં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાશે.