અમદાવાદના પીરાણા ખાતે જિલ્લા કક્ષાનાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાયો

  • vatannivat
  • 18-06-2022 11:19 AM

- કલેકટર સંદીપ સાગલે સહિતના મહાનુભાવોએ અમદાવાદના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અને કળશ આપીને સામુહિક ગૃહ પ્રવેશ કરાવ્યો

- વિવિધ મહિલા લાભાર્થીઓએ સાચા સ્વજન બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો

લાભાર્થીઓને કળશ અને ઘરના ઘરની ચાવી અર્પણ કરવામાં આવી

વડોદરામાં આયોજિત ગુજરાત ગૌરવ અભિયાનના સાક્ષી માત્ર વડોદરાવાસીઓ જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાના લાખો લોકો વર્ચ્યુઅલ જોડાઈને બન્યા હતા. જેમાં અમદાવાદના પીરાણામાં આવેલા નિષ્કલંકી નારાયણ ધામમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય થકી પરંપરાગત રીતે કાર્યક્રમનો શુભારંભ કરાવાયો હતો. રાજ્યને વિકાસની નવી ઉંચાઈ પર પહોંચાડતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓને ગતિ આપતા ગુજરાત ગૌરવ અભિયાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવાયો. કલેકટર અને અન્ય મહાનુભવોએ લાભાર્થીઓને કળશ અને ઘરના ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

લાભાર્થીઓએ શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરાના તેમના સંબોધનમાં ટાંક્યુ હતું કે લાખો મહિલાઓ વિવિધ યોજનાઓ થકી 3 હજાર કરોડની સંપત્તિના માલિક બન્યા છે. આવા જ મહિલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં પીરાણા ખાતે હાજર રહ્યા હતા. સાણંદના લાભાર્થી કંચનબેન જાદવ અત્યાર સુધી પતરાના મકાનમાં રહેતા પણ પીએમ આવાસ યોજના થકી તેમને સપનાનું ઘર મળ્યું. વિરમગામના હંસાબેન ઠાકોર પણ કાચા મકાનમાં જીવન ગુજારતા હતા, ચોમાસામાં છત પરથી પાણી ટપકવાને કારણે મોટું નુકસાન થતું પણ પીએમ આવાસ યોજના થકી 3.50 લાખ રૂપિયાની તબક્કાવાર સહાય મેળવી તેઓ આજે પાક્કા મકાનમાં રહેતા થયા છે. આવા તો અનેક બહેનોએ એક સાચા સ્વજન બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો.

કોણ કોણ ઉપસ્થિત રહ્યુંગુજરાત ગૌરવ અભિયાનમાં અમદાવાદ જિલ્લા કલેકટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખો અને કારોબારી સભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત જિલ્લાના લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.