ગુજરાતના પાટણ જિલ્લાના ડો. વિપુલ યાજ્ઞિકને મળ્યો બેસ્ટ રિસર્ચર 2023નો એવોર્ડ

  • vatannivat
  • 17-02-2023 08:51 AM

- ડો.વિપુલ યાજ્ઞિક સર્જન ડોક્ટર તરીકે આગવી નામના ધરાવે છે

- તેમના દ્વારા અમુક કેસો જે ભારત અને દુનિયામાં ભાગ્યે જોવા મળતા હોય તેવા કેસ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવેલ

નિષ્ઠા સર્જીકલ એન્ડ રિસર્ચ સેન્ટર હોસ્પિટલના ડોક્ટર ડો.યાજ્ઞિક 

આરોગ્ય નગરી પાટણમાં આવેલા હોસ્પિટલના ડોક્ટરો પોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે. પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલા નિષ્ઠા સર્જીકલ એન્ડ રિસર્ચ સેન્ટર હોસ્પિટલના ડોક્ટર વિપુલ યાજ્ઞિક સર્જન ડોક્ટર તરીકે સારી એવી નામના ધરાવે છે. તેમના દ્વારા કરવામાં આવતા અકલ્પનીય ઓપરેશન પણ અનેકવાર જોવા મળેલ છે.

ડો.યાજ્ઞિકને કોઈમ્બતૂરમાં સન્માનિત કરાયા 

તાજેતરમાં તમિલનાડુના કોઇમ્બતુરમાં ઇન્ડિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ એન્ડ એન્ડોસર્જનની નેશનલ કોંફરન્સ યોજવામાં આવી હતી. આ કોંફરન્સમાં ડો વિપુલ યાજ્ઞિકને વર્ષ 2022-23 માટે બેસ્ટ રિસર્ચર એવોર્ડ એનાયત કરાયો છે. જેમાં દેશભરમાંથી માત્ર 5 ડોક્ટરોની જ પસંદગી કરાઈ હતી. જેમાં પણ ગુજરાતમાંથી એકમાત્ર ડોક્ટર વિપુલ યાજ્ઞિકની પસંદગી થયેલ છે. જેમાં તેમને પ્રમાણપત્ર અને રૂ.1 લાખ રોકડ પુરસ્કાર મળેલ છે.

ડો.યાજ્ઞિકે અત્યાર સુધીમાં 175થી વધુ આર્ટિકલ લખ્યા છે 

આ એસોસિએશન સાથે અંદાજે 10,000 જેટલા ડોક્ટર જોડાયેલા છે. ડો વિપુલ યાજ્ઞિકે વર્ષ 2022-23 માં 24 જેટલા પેપર પ્રકાશિત કર્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય જનરલ 18, રાષ્ટ્રીય જનરલમાં 4 અને આંતરરાષ્ટ્રીય પુસ્તકોમાં 2 ચેપ્ટર પણ લખ્યા છે. તેમની અત્યાર સુધીની કારકિર્દીમાં 175 થી વધુ આર્ટીકલ લખેલ છે, જેમાં મુખ્ય સંશોધનમાં આંતરડાનો ટી.બી, બે કાણા એપેન્ડિક્સનું ઓપરેશન તથા ભગંદરના રોગોને સામેલ કરવામાં આવેલ છે. ડો યાજ્ઞિક દ્વારા અમુક કેસો જે ભારત અને દુનિયામાં ભાગ્યે જોવા મળતા હોય તેવા કેસ આ રિસર્ચમાં પ્રકાશિત કરાઈ  છે.

ડો.યાજ્ઞિક વર્લ્ડ એસોસિએશન ફોર મેડિકલ એડિટરના સભ્ય

ડો વિપુલ યાજ્ઞિક ત્રણ આંતરરાષ્ટ્રીય જર્નલમાં એડિટર તરીકે સેવા આપે છે અને તેઓ પોતે વર્લ્ડ એસોસિએશન ફોર મેડિકલ એડિટરના સભ્ય પણ છે. તેમજ તાજેતરમાં અમેરિકન કોલેજ ઓફ સર્જનનું સભ્યપદ પણ મળેલું છે.