ભાજપના સાંસદોને પાર્ટીની કડક સૂચના, ધાર્મિક બાબતો પર નિવેદન આપવાનું ટાળો

  • vatannivat
  • 20-02-2023 07:18 AM

- ભાજપ આધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનાં સાંસદોને આપી સૂચના

- નડ્ડાએ બજેટ અને રાષ્ટ્રપતિના સંબોધનને લઈને તમામ સાંસદો સાથે ઓનલાઈન બેઠક કરી

સાંસદોને બયાનબાજીથી દૂર રહેવા સૂચના 

ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ બજેટ અને રાષ્ટ્રપતિના સંબોધનને લઈને તમામ સાંસદો સાથે ઓનલાઈન બેઠક કરી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી પાર્ટી દ્વારા સાંસદોને બયાનબાજીથી દૂર રહેવા અને ખાસ કરીને ધાર્મિક બાબતો, સનાતન ધર્મ જેવા વિષયો પર નિવેદનો કરવાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન, જેપી નડ્ડાએ સાંસદોને કડક સૂચના આપી છે. 

પાર્ટીના અધિકૃત પ્રવક્તા જ આવા મુદ્દાઓ પર નિવેદનો આપે

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ દરમ્યાન કહ્યું હતું કે, સાંસદોએ અમુક મુદ્દાઓ પર નિવેદન આપવાથી બચવું પડશે. સાંસદોએ વિવાદાસ્પદ અને ધાર્મિક મુદ્દાઓ પર નિવેદનો કરવાથી દૂર રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટીમાં એક સિસ્ટમ છે અને સિસ્ટમ મુજબ પાર્ટીના અધિકૃત પ્રવક્તા જ આવા મુદ્દાઓ પર નિવેદનો આપે છે. જેપી નડ્ડાએ કહ્યું કે, ધાર્મિક બાબતો, સનાતન ધર્મ જેવા વિષયો પર ધ્યાન આપવામાં આવશે. રાજકીય લોકોએ આમાં પડવું જોઈએ નહીં અને બિનજરૂરી નિવેદનો કરવા જોઈએ નહીં. 

જે નેતાઓને બાગેશ્વર ધામમાં શ્રદ્ધા છે તેઓ ત્યાં જાય, પરંતુ બિનજરૂરી નિવેદનોથી દૂર રહે

આ દરમ્યાન પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, જે નેતાઓને બાગેશ્વર ધામમાં શ્રદ્ધા છે તેઓ ત્યાં જાય, પરંતુ બિનજરૂરી નિવેદનોથી દૂર રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કોઈપણ સાંસદ અને નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદાસ્પદ બાબતો પર આપવામાં આવતા નિવેદનોથી નારાજ છે. જેપી નડ્ડાએ ઓનલાઈન મીટિંગ દરમિયાન કહ્યું કે, બજેટ પર રાષ્ટ્રપતિનું સંબોધન, જનતામાં જાઓ, પ્રેસ કોન્ફરન્સ કરો, જેથી કેન્દ્ર સરકારની જનહિત યોજનાઓની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી શકે. નડ્ડાએ કહ્યું કે, સાંસદોએ સ્થાનિક સંગઠનોની મદદથી બૂથ અને પાવર સેન્ટરને મજબૂત કરવા જોઈએ. નડ્ડાએ એમ પણ કહ્યું કે સાંસદોએ રમતગમતના કાર્યક્રમો સહિત અન્ય કાર્યક્રમો પૂરા કરવા જોઈએ.