ઝારખંડમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ચાર નેતાઓને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

  • vatannivat
  • 14-02-2023 06:54 AM

- ઝારખંડમાં રાજ્ય નેતૃત્વ વિરુદ્ધની પ્રવૃત્તી બદલ કાર્યવાહી કરાઈ 

- નેતાઓએ 14 દિવસ બાદ પણ કોઈ સંતોષકારક જવાબ ન આપતા સસ્પેન્ડ કરાયા  

કોંગ્રેસ શિસ્ત સમિતિએ કરી ભલામણ

ઝારખંડ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ આલોક દુબે અને ડો.રાજેશ ગુપ્તા સહિત 4 નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી. કોંગ્રેસે આ ચારેય નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. રાજ્ય નેતૃત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે શિસ્ત સમિતિએ આલોક દુબે, લાલ કિશોર નાથ શાહદેવ, ડો. રાજેશ ગુપ્તા અને સાધુ શરણ ગોપને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી.

આ નેતાઓએ પ્રદેશ નેતૃત્વ સામે આંદોલન કર્યું હતું 

આ નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોવાના કારણે કોંગ્રેસે તેમની સામે કાર્યવાહી કરી હોવાનું કહેવાયુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ નેતાઓએ પ્રદેશ નેતૃત્વ સામે આંદોલન શરૂ કર્યું હતું. 21 ડિસેમ્બર 2022ના રોજ આ નેતાઓ પાસેથી આ વાતનો ખુલાસો માંગ્યો હતો પરંતુ તેમને 14 દિવસ બાદ પણ આ લોકોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ નેતાઓએ તેમના જવાબ માટે એક મહિનાનો સમય પણ માંગ્યો હતો પરંતુ તે સ્વીકારવામાં ન આવ્યો.

પ્રેસ કોન્ફરન્સ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટી નેતૃત્વ પર આપ્યા ખોટા નિવેદનો 

આ ઉપરાંત ખોટા નિવેદનોને પણ સસ્પેન્શનનું મુખ્ય કારણ જણાવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ શિસ્ત સમિતિના પ્રમુખ બ્રજેન્દ્ર પ્રસાદ સિંહે કહ્યું કે, કારણ જણાવવા તેમને નોટિસ આપ્યા બાદ પણ, આ ચારેય પોતાનો પક્ષ રજૂ કર્યો નહી. 24 ડિસેમ્બરના રોજ બોકારોમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટી નેતૃત્વ પર ખોટા નિવેદનો પણ આપ્યા હતા.