PM મોદી 'ધ રોકિંગ સ્ટાર' યશ' અને રિષભ શેટ્ટીને મળ્યા, અભિનેતાઓને મળ્યા બાદ લોકોને કર્યું આ સૂચન

  • vatannivat
  • 14-02-2023 05:41 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્નડ ફિલ્મ અભિનેતા 'ધ રોકિંગ સ્ટાર' યશ અને રિષભ શેટ્ટી, ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મળ્યા હતા. આ દરમિયાન દિવંગત કલાકાર પુનીત રાજકુમારની પત્ની 'આય્યો શ્રદ્ધા'ના નામથી જાણીતી શ્રદ્ધા જૈન પણ હાજર રહી હતી. તેઓ એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા બેંગ્લોર પહોંચ્યા હતા.


કર્ણાટક ભાજપાએ તસવીરો શેર કરતા કહ્યું કે, PM બેંગલુરુમાં કર્ણાટક ફિલ્મોના દિગ્ગજ કલાકારોને મળ્યા. તેમની સાથે સંસ્કૃતિ, નવા ભારતમાં યોગદાન અને કર્ણાટકની પ્રગતિ વિશેની વાત કરી હતી. આ કાર્યક્રમમાં ક્રિકેટ ખેલાડીઓ મયંક અગ્રવાલ અને મનીષ પાંડે, બિઝનેસમેન એથર એનર્જીના ફાઉન્ડર અને CEO તરુણ મહેતા, ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામત પણ હાજર હતા. તેમણે PM સાથે રમતો માટે જરૂરી માળખાકીય સુવિધાઓનો વિકાસ, યુવા સશક્તિકરણ, વ્યવસાય અને તકો વગેરે માટે જરૂરી વિકાસ અંગે ચર્ચા કરી.


PMએ ફિલ્મો માટે ITI કોર્સનું કર્યું સૂચન

ચર્ચા દરમિયાન PM મોદીએ ફિલ્મ કલાકારોને કહ્યું,કે દક્ષિણ ભારતીય રાજ્યોના ફિલ્મ ઉદ્યોગે તેમના કાર્યો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ઓળખને પ્રોત્સાહન આપ્યું છે. મહિલાઓની ભાગીદારીને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. તેમણે તેના પર ભાર મૂક્યો હતો કે, ITIમાં એવા અભ્યાસક્રમો હોવા જોઈએ જે ફિલ્મો સાથેના સંબંધિત કામ વિશે હોય, ખાસ કરીને તકનીકી કુશળતા પ્રદાન કરવા માટે. ખેલાડીઓ સાથે વાત કરતા PMએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકાર રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહી છે.કન્નડ ફિલ્મ કલાકાર યશે જણાવ્યું હતું કે તેઓ PM મોદીના વિવિધ ઉદ્યોગો અંગેના ઊંડાણપૂર્વકના જ્ઞાન અને તેમાં રહેલી સંભાવનાઓથી પ્રભાવિત થયા છે. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા કામની પ્રશંસા કરી હતી.